માર્કેટ નિયામક સેબીએ સામાન્ય રોકાણકારોના હિતોની રક્ષા માટે અનેક પગલાં લીધા છે. તાજેતરમાં સેબીએ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના ટોચના સંગઠન AmFiને સ્મૉલ અને મિડકેપ ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણને નિયંત્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ એમ્ફીને તેની સભ્ય કંપનીઓને એવી ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ ઉપાય શેરમાર્કેટમાં અતિશય અટકળોને રોકવા અને તમામ શેરધારકોના હિતોની રક્ષા માટે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સેબી દ્વારા લેવાયેલા પગલાંમાંથી એક છે.
માર્કેટ નિયામકે આ મોટાં પગલાં લીધાં
ઉપાય 1: ક્લાઇન્ટ્સ પાસેથી અપફ્રન્ટ માર્જિન ક્લેક્શન ધીરે-ધીરે 100% સુધી વધારવું
અસર: ક્લાઇન્ટ્સ એટલી જ પોઝિશન લઇ રહ્યા છે જેટલું તે પોતાનું રોકાણ કરી શકે છે. ક્લાઇન્ટને પોઝિશન લેવા માટે બ્રોકર પૈસા આપી શકતા નથી એટલે જ ગ્રાહકોના ઓવરટ્રેડિંગને ઘટાડવામાં મદદ મળી છે.
ઉપાય 2: શેરમાર્કેટ પર એડિશનલ સર્વેલન્સ મિકેનિઝમ (એએસએમ) અને ગ્રેડેડ સર્વેલન્સ મિકેનિઝમ (જીએસએમ)ની શરૂઆત
અસર: અનેક મિડ, સ્મૉલ અને માઇક્રો કેપ શેર્સના મૂલ્યમાં કૃત્રિમ ઉતાર-ચઢાવમાં ઘટાડો થયો છે. શેરોમાં ડિલીવરી આધારિત લેવડદેવડ પર અમલથી વાસ્તવિક રોકાણકારોના હિતોની રક્ષા થઇ છે.
ઉપાય 3: કોઇપણ શંકાસ્પદ લેવડદેવડ માટે બ્રોકર્સ પાસે એ જ દિવસે નોટિસ મોકલીને તેની જાણકારી માંગવી
અસર: ટ્રેડર્સના એક વર્ગ દ્વારા સર્કુલર ટ્રેડિંગની ઘટનાઓને રોકવામાં મદદ મળી છે. ટ્રેડર્સ આવી કોઇપણ ગતિવિધિમાં સામેલ થતા પહેલા બે વાર વિચારવા માટે મજબૂર થયા છે.
ઉપાય 4: IPO લિસ્ટિંગની સમયમર્યાદા T+6થી ઘટાડીને T+3 કરવી
અસર: શેર્સ અલોટમેન્ટ બાદ ત્રીજા વર્કિંગ ડે પર લિસ્ટ થઇ રહ્યાં છે. તેનાથી સંભવિત લિસ્ટિંગ મૂલ્ય પર ગ્રે માર્કેટમાં અટકળોને ઘટાડવામાં મદદ મળી.
ઉપાય 5: એમ્ફીને મિડ-સ્મૉલકેપમાં બની રહેલા ‘બબલ’ અંગેની ચેતવણી આપીને આવી ઇક્વિટી સ્કીમમાં રોકાણના પ્રવાહને નિયંત્રિત કરવા કહેવું.
અસર: રોકાણકારોને માર્કેટમાં શેર્સનું મૂલ્યાંકન જોખમભર્યું હોવાનો સંકેત આપ્યો છે. જે રીતે ઇક્વિટી એસેટ્સમાં તેઓ રોકાણ કરી રહ્યાં છે. તે અંગે વધુ સાવધ રહેવાની જરૂર છે.
સેબીની બેઠક, સેમ-ડે સેટલમેન્ટને મંજૂરી આપી શકે
માર્કેટ નિયામક સેબીની શુક્રવારે થનારી બોર્ડ બેઠકમાં આઇપીઓ માટે સરળ નિયમોને મંજૂરી આપી શકે છે. બેઠક દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)ને એડિશનલ ડિસ્ક્લોઝરના નિયમોથી બહાર કરવા, સેમ-ડે સેટલમેન્ટ ફ્રેમવર્કને મંજૂરી આપવા ઉપરાંત એઆઇએફ, મ્યુચ્યુઅલ ફંડ્સને કેટલીક રાહત મળી શકે છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પબ્લિક ઇશ્યૂ માટે સેબીનું બોર્ડ પ્રમોટર્સને લિસ્ટિંગ બાદ અનિવાર્ય 20% એમપીસી જાળવવા માટે તેમજ અન્ય રીતને પણ અનુમતિ આપી શકે છે. પ્રાઇવેટ ઇક્વિટી અને અન્ય નૉન-ઇન્ડિવિજ્યુઅલ શેરધારકોને પ્રમોટર્સના રૂપમાં વર્ગીકૃત કર્યા વગર એમપીસી માટે ક્વોલિફાય કરવા માટે લીલી ઝંડી પણ આપી શકે છે.
