વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ ગુરુવારે (14 માર્ચ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. પેનલે 18,626 પાનાંનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ કમિટીની રચના થઈ ત્યારથી લઈને હિતધારકો અને નિષ્ણાતોની સલાહ અને 191 દિવસના રિસર્ચનું પરિણામ છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 47 રાજકીય પક્ષએ એક દેશ, એક ચૂંટણી પર સમિતિને પોતાનો અભિપ્રાય આપ્યો હતો, જેમાંથી પક્ષમાં 32 અને 15 વિપક્ષમાં મત પડ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, કોવિંદ સમિતિએ 2029માં એકસાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મતદારયાદી જાળવવાની વાત પણ સામે આવી છે. ચૂંટણી માટે બંધારણમાં સુધારાની ભલામણ કરવાની પણ શક્યતા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો એને 2029થી જ લાગુ કરવામાં આવશે. ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ જૂન 2029 સુધી 6 મહિના લંબાવવો જોઈએ. ત્યાર પછી તમામ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે થઈ શકે છે.
સમિતિમાં 8 સભ્ય છે, જેની રચના સપ્ટેમ્બર 2023માં કરવામાં આવી હતી
ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યની સમિતિની રચના કરવામાં આવી હતી. વન નેશન વન ચૂંટણી કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં યોજાઈ હતી. એમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્ય છે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે.
એક દેશ, એક ચૂંટણીની શક્યતા આ રીતે છે
‘એક દેશ એક ચૂંટણી’ લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે.
ભાજપના સાથીપક્ષોનું સમર્થન, કોંગ્રેસ-ટીએમસીનો વિરોધ
રિપોર્ટ અનુસાર, ભાજપ અને તેના સહયોગીઓએ એકસાથે ચૂંટણીની તરફેણમાં પોતાનો મત વ્યક્ત કર્યો છે તેમજ કોંગ્રેસ અને તેના સહયોગી – ડીએમકે, એનસીપી અને ટીએમસીએ તેનો વિરોધ કર્યો છે. બીજેડી અને એઆઈએડીએમકે તેના સમર્થનમાં છે. આ સમિતિની રચના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી.
રિપોર્ટમાં ચૂંટણીપંચ, કાયદાપંચ અને કાયદાકીય નિષ્ણાતોનાં મંતવ્યો પણ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવી એ લોકહિતમાં રહેશે. આનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને ફુગાવાને અંકુશમાં આવશે.
રિપોર્ટમાં આગળ શું થશે?
આ રિપોર્ટ લોકસભાની ચૂંટણી બાદ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. કેબિનેટના નિર્ણય અનુસાર, કાયદા મંત્રાલય બંધારણમાં નવી કલમો ઉમેરશે, જેની ભલામણ કાયદા પંચ દ્વારા કરવામાં આવી છે, જેથી એકસાથે ચૂંટણી યોજી શકાય. એને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરવામાં આવશે અને રાજ્યની વિધાનસભાઓને પણ પ્રસ્તાવ પસાર કરવાની ભલામણ કરવામાં આવશે. આ પછી, 2029 સુધી ત્રણ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે સુનિશ્ચિત કરી શકાય છે.
વન નેશન વન ઇલેક્શન એટલે શું?
હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઇએ, એટલે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.
આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.
