જી. કે. જન. અદાણી હોસ્પિ.ના આંખ વિભગના તબીબોએ ઝામર દિન નિમિતે જણાવ્યા લક્ષણો, ઉપાય અને સાવધાની

વિશ્વમાં ૧૨મી. માર્ચના દિવસે ગ્લુકોમા અર્થાત ઝામર દિવસ મનાવવામાં આવે છે.આંખની આ એક એવી પરિસ્થિતિ છે જેમાં આંખમાં દબાણ વધી જાય છે,જેના કારણે દૃષ્ટિ ધીમે ધીમે જતી રહે છે. ઝામરને કારણે જો એક વખત નજર જાય તો પાછી આવતી નથી એટલે તેને “દૃષ્ટિચોર”,પણ કહેવામાં આવે છે.

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના આંખ ના સ્પેશિયાલિસ્ટ  પ્રોફે.ડો.કવિતા શાહે અને ડો.અતુલ મોડેસરાએ જણાવ્યું કે, ઝામરમાં દૃષ્ટિ પાછી ના આવવાનુ કારણ આંખોની અંદરની નસો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.સામાન્ય રીતે આ વ્યાધિ ૪૦- ૫૦ વર્ષની ઉમર પછી જોવા મળે છે.આંખો ઉપર દબાણ વધવાથી નુકસાન થાય છે.આ તમામ નસો મગજ સાથે જોડાયેલી હોવાથી ધીરે ધીરે તેની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે.અને દેખાતું બંધ થઈ જાય છે.

ઝામર છે એ ખ્યાલ કેવી રીતે આવે અનેે તેના લક્ષણો શું હોય છે એ અંગે તબીબોએ કહ્યું કે, આંખોમાં પ્રકાશની આસપાસ કુંડાળાં દેખાય, દૃષ્ટિનો ઘેરાવો ગુમાવવો, આંખોમાં લાલાશ, માથું તથા  ઉબકા અને ઉલટી સાથે આંખોમાં દુઃખાવો થાય છે.

ઝામરના જોખમી પરિબળો

ઝામરના જોખમી પરિબળો કયા છે એવા સવાલના જવાબમાં સિનિ.રેસિ.ડો. નૌરીન મેમણ અને ડો.મોનિકા ઠક્કરે જણાવ્યું કે, ૪૦ કે તેથી વધુ ઉમરના લોકો, ઝામરનો પારિવારિક ઇતિહાસ હોય, નબળી દૃષ્ટિ હોય, લાંબા સમય સુધી સ્ટીરોઇડ દવાનો ઉપયોગ થયો હોય તેમજ ડાયાબિટીસ અને બી.પી. હોય તો પણ સંભાવના વધી જાય છે.

સાવચેતી અંગે તબીબોએ કહ્યું કે, ભોજનમાં વિટામિન અને પૌષ્ટિક ખોરાક લેવો,ઘણીવાર સવારે ઉઠતાં જ પુષ્કળ પાણી પીવાથી આંખો ઉપર દબાણ વધે છે.પાણી પીવું પણ થોડી થોડી વારે આ ઉપરાંત કસરત અને ડાયાબિટીસ તથા બી.પી. ની નિયમિત ચકાસણી કરાવવી.સ્માર્ટફોન કે લેપટોપ ઉપર કામ કરતી વખતે પર્યાપ્ત રોશની હોવી જરૂરી છે.  

બાળકોમાં આ લક્ષણો જણાય તો સાવધ થઈ જવું

બાળકોમાં પણ ક્યારેક ઝામરના લક્ષણો જોવા મળે છે.જો કે તેનું પ્રમાણ ઓછું હોય છે, છતાં ધૂંધળીદૃષ્ટિ, અસાધારણ મોટી આંખો, સૂર્ય પ્રકાશ અને કેમેરાના ફ્લેશથી આંખોમાં સંવેદના, વધુ પડતા આંસુ, અંધારામાં જોવાની તકલીફ લાલ આંખો વિગેરે હોય છે.આવા ચિહ્નો જણાય તો તુરંત આંખના ડોક્ટર્સનો સંપર્ક કરવો.

Leave a comment