મ્યુચ્યુઅલ ફંડોમાં ફેબુ્રઆરી ૨૦૨૪ મહિનામાં ઈક્વિટીમાં રોકાણ પ્રવાહ ૨૩ ટકા વધીને રૂ.૨૬,૮૬૬ કરોડ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં રૂ.૨૧,૭૮૦.૫૬ કરોડ નોંધાયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના આંકડામાં જણાવાયું છે. ફોક્સ્ડ ફંડ્સ સિવાય ઈક્વિટી કેટેગરીઝમાં તમામ કેટેગરીમાં ફેબુ્રઆરીમાં રોકાણનો નેટ પ્રવાહ નોંધાયો છે.મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ફેબુ્રઆરીમાં ૩.૪૨ ટકા વધીને રૂ.૫૪.૫૪ લાખ કરોડ પહોંચી છે. જ્યારે સ્મોલ કેપ કેટેગરીમાં સતત બીજા મહિને ફેબુ્રઆરીમાં રોકાણ પ્રવાહ ૧૦ ટકા ઘટીને રૂ.૨૯૨૨.૩૫ કરોડ નોંધાયો છે. જ્યારે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપીઝ) માર્ચ ૨૦૨૧થી સતત ૩૬માં મહિને પોઝિટીવ રોકાણ પ્રવાહ સાથે ફેબુ્રઆરીમાં રૂ.૧૯,૦૦૦ કરોડનો આંક પાર કરી રૂ.૧૯,૧૮૬ કરોડ નોંધાઈ છે. જે જાન્યુઆરીમાં રૂ.૧૮,૮૩૮ કરોડ રહી હતી.
સેકટરલ-થીમેટિક ફંડ્સમાં સતત ફેબુ્રઆરીમાં મજબૂત વૃદ્વિ સાથે એયુએમમાં ૧૩૪ ટકાની વૃદ્વિ નોંધાઈ છે. આ શ્રેણીમાં ફેબુ્રઆરીમાં સૌથી વધુ રૂ.૧૧,૨૬૨.૭૨ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે. જે જાન્યુઆરીમાં રૂ.૪૮૦૪.૬૯ કરોડ રહ્યો હતો. લાર્જ અને મિડ કેપ ફંડ્સમાં રોકાણ પ્રવાહ બીજો સૌથી વધુ રૂ.૩૧૫૬.૬૪ કરોડ નોંધાયો છે.
જ્યારે સ્મોલ કેપ કેટેગરીમાં રોકાણમાં ૧૦ ટકા ઘટાડો થઈ રૂ.૨૯૨૨.૪૫ કરોડ પ્રવાહ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં રૂ.૩૨૫૬.૯૮ કરોડ રહ્યો હતો. ફ્લેક્સી કેપ ફંડ્સમાં રોકાણ પ્રવાહ રૂ.૨૬૧૩.૨૩ કરોડ રહ્યો છે. મલ્ટી કેપ ફંડ શ્રેણીમાં રૂ.૨૪૧૪.૦૪ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે.
લાર્જ કેપ ફંડસમાં ફેબુ્રઆરીમાં રોકાણ પ્રવાહ રૂ.૯૨૧.૧૪ કરોડ રહ્યો છે. જે જાન્યુઆરીમાં રૂ.૧૨૮૭.૦૫ કરોડ નોંધાયો હતો. ફોક્સ્ડ ફંડ શ્રેણીમાં ફેબુ્રઆરીમાં રોકાણ ઉપાડ રૂ.૫૩૨.૮૯ કરોડ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં ઉપાડ રૂ.૨૦૧.૮૩ કરોડ રહ્યો હતો.
ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં ફેબુ્રઆરીમાં રોકાણ પ્રવાહ કુલ રૂ.૬૩,૮૦૮.૮૨ કરોડ રહ્યો છે, જે જાન્યુઆરીમાં રૂ.૭૬,૪૬૮.૯૬ કરોડની જાવક નોંધાઈ હતી. ચોખ્ખા પ્રવાહમાં માસિક ધોરણે ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. અન્ય મોટાભાગની શ્રેણીમાં રોકાણ પ્રવાહ પોઝિટીવ રહ્યો છે.
લિક્વિડ ફંડોમાં ફેબુ્રઆરીમાં સૌથી વધુ રૂ.૮૩,૬૪૨.૩૩ કરોડનો રેકોર્ડ પ્રવાહ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં રૂ.૪૯,૪૬૭.૬૭ કરોડ રહ્યો હતો. કોર્પોરેટ બોન્ડ ફંડોમાં બીજો સૌથી વધુ રૂ.૩૦,૨૮.૮૬ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે. ગિલ્ટ ફંડમાં સતત નબળો પ્રવાહ રહી રૂ.૪૨.૪૧ કરોડ સૌથીઓછો રોકાણ પ્રવાહ નોંધાયો છે.
ઓવરનાઈટ ફંડ્સમાં ફેબુ્રઆરીમાં સૌથી વધુ રૂ.૧૭,૩૭૫.૬૧ કરોડનો ઉપાડ જોવાયો છે, જે જાન્યુઆરીમાં રૂ.૮૯૯૫.૦૭ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો હતો. લો ડયુરેશન ફંડ્સમાં પણ ફેબુ્રઆરીમાં રૂ.૪૦૦૦.૩૮ કરોડની જાવક નોંધાઈ છે.
હાઈબ્રિડ ફંડ શ્રેણીમાં રોકાણમાં ફેબુ્રઆરીમાં ૧૨ ટકાની વૃદ્વિ સાથે રૂ.૧૮,૧૦૫.૦૮ કરોડનું રોકાણ થયું છે. આ શ્રેણીમાં જાન્યુઆરીમાં રૂ.૨૦,૬૩૬.૯૯ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો હતો. કન્ઝર્વેટીવ હાઈબ્રિડ ફંડ્સ સિવાય તમામ હાઈબ્રિડ શ્રેણીમાં ફેબુ્રઆરીમાં નેટ રોકાણ થતું જોવાયું છે.
આર્બિટ્રેજ ફંડ્સમાં સૌથી વધુ રૂ.૧૧,૫૦૮.૧૫ કરોડનો નેટ રોકાણ પ્રવાહ નોંધાયો છે. મલ્ટિ એસેટ એલોકેશન ફંડ્સમાં બીજો સૌથી વધુ રૂ.૪૦૪૩.૨૦ કરોડનો રોકાણ થતું જોવાયું છે. ત્યાર બાદ ઈક્વિટી સેવિંગ્સ ફંડમાં રૂ.૧૩૪૩.૫૮ કરોડનો રોકાણ પ્રવાહ ફેબુ્રઆરીમાં થયો છે.
