ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો

દેશના ઈલેક્ટ્રોનિક ઉદ્યોગે લગભગ દસ વર્ષ પહેલા નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. આ અંગેની માહિતી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ)ના રિપોર્ટમાં આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે.

સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, ભારતે ૧૦ વર્ષમાં ૪.૧ લાખ કરોડ રૂપિયાના કુલ ૨.૪૫ અબજ મોબાઈલ ફોનનું ઉત્પાદન કર્યું છે. લગભગ દસ વર્ષ પહેલાના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૪-૧૫માં આ આંકડો માત્ર ૧૮,૯૦૦ કરોડ રૂપિયા હતો.

જ્યારે ભારતનું આ ક્ષેત્ર દસ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૪માં ૭૮ ટકા આયાત પર નિર્ભર હતું, તે હવે ૯૭ ટકા સુધી આત્મનિર્ભર બની ગયું છે. ઉદ્યોગે આગામી ૧૦ વર્ષમાં રૂ. ૨૦ લાખ કરોડનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને કુલ રૂ. ૧૯.૪૫ લાખ કરોડનું ઉત્પાદન લક્ષ્ય હાંસલ કર્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ માત્ર ૧,૫૫૬ કરોડ રૂપિયાની હતી. મોબાઇલ ઉદ્યોગ નાણાકીય વર્ષ ૨૦૨૪માં આ અંદાજને વધારીને રૂ. ૧.૨ લાખ કરોડ સુધી પહોંચાડે તેવી ધારણા છે, એટલે કે એક દાયકામાં તેમાં ૭૫૦૦ ટકાનો વધારો જોવા મળી શકે છે.

ડેટા અનુસાર, વર્ષ ૨૦૧૪-૨૪ દરમિયાન નિકાસ વધીને રૂ. ૩.૨૨ લાખ કરોડ થઈ હતી. નિકાસમાં આ ઝડપી વૃદ્ધિને કારણે મોબાઈલ ફોન ભારતની ૫મી સૌથી મોટી નિકાસ કોમોડિટી બની ગઈ છે.

Leave a comment