અદાણી જૂથ દ્વારા ખાવડામાં આરોગ્ય, શિક્ષણ અને જળ સંવર્ધનના વિકાસ કાર્યોનો શુભારંભ

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીનના સંયુક્ત ઉપક્રમે બુધવારે ખાવડામાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જનઆરોગ્ય, જળસંરક્ષણ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવતા 4 નવા પ્રોજેક્ટસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમીત અરોરા, ખાવડા આરઇ પાર્કના હેડ, BSF કમાન્ડન્ટ સંજય અવિનાશ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગત વર્ષથી સરહદી જિલ્લા કચ્છના સૌથી દૂરના ખાવડા, લખપત, અબડાસા જેવા 26 ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃતિઓ થઈ રહી છે. ચાલુ વર્ષે તેને આગળ ધપાવતા 4 નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી અને મહિલાઓની સ્વચ્છતા નિવારક કાળજી જેવી મૂળભૂત બાબતોનો સમાવેશ થાય છે.  

જન આરોગ્ય, જળ સંરક્ષણ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ આ વિસ્તારની પાયાની જરૂરિયાતો છે. આરોગ્ય વિષયક પહેલ અંતર્ગત CHCને નિદાન સુવિધાઓ સાથે 5 નિષ્ણાત ડોકટરોની ટીમ અને મહિલા આરોગ્ય અને સ્વચ્છતા નિવારક કાળજીનું માર્ગદર્શન તેમજ અઠવાડિયામાં એક વખત વાહનની સુવિધા શરૂ કરવામાં આવી છે.

હવે અદાણી આરોગ્ય કાર્યક્રમ હેઠળ સામાજિક આરોગ્ય કેન્દ્રમાં નિયમિત રૂપથી અઠવાડિયે બે દિવસ સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ-રોગ નિષ્ણાંત, નેત્ર રોગ નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન ઉપલબ્ધ રહેશે. છેલ્લા ત્રણ માસથી ચાલી રહેલી આરોગ્ય સેવાઓનો 960 થી વધુ દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે. આ પ્રસંગે જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા આયોજીત નિ:શુલ્ક સર્જીકલ કેમ્પમાં પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

મહિલા અને બાળ આરોગ્ય લાંબા સમયથી ઉકેલ માંગતો અને આ વિસ્તારનો સંવેદનશીલ પ્રશ્ન છે. આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓને પોષણયુક્ત આહાર, માસિક દરમિયાન સ્વચ્છતા અને બાળ આરોગ્ય વિશે તાલીમ આપવામાં આવશે. ઉપરાંત મહિલાઓને બચત અને રોજગારી માટે સ્વસહાય જૂથો અને 434 સભ્યો ધરાવતી સરહદી મહિલા વિકાસ સંગઠનની શરૂઆત કરવામાં આવી છે.

સામયિક આરોગ્ય શિબિરોની પહેલ માટે અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરતા કલેકટરે જણાવ્યું હતું કે “અદાણી ફાઉન્ડેશન દ્વારા જારી ઉમદા કાર્યો યથાવત રહેશે તો આગામી પાંચ વર્ષમાં ખાવડાની જનતાને ખૂબ જ ફાયદો થશે“. નિષ્ણાત તબીબોનું સન્માન કરતા તેમણે CHC સુધી ટ્રાન્સપોર્ટની સહાય માટે આરોગ્ય વેન શરૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ખાવડાની આસપાસના વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ બાદ અડધોઅડધ વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવે છે. 550 વિદ્યાર્થીઓ ધરાવતી હાઈસ્કૂલ માટે ઉત્થાન પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માધ્યમિક શિક્ષણને પ્રોત્સાહન આપતા ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારની આઠ શાળાઓ સાથે કારાર કરવામાં આવ્યા છે. દરેક શાળામાં ઉત્થાન સહાયકો દ્વારા કન્યા શિક્ષણની કામગીરી પણ થઈ રહી છે. BSF હેડ (Bt.72) સંજય અવિનાશે ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવતા સમુદાયને ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.

કુરાન/તુગા/મોટા અને દિનારા જેવા ગામોને વોટર પોઝિટીવ બનાવવા માટે જળ સંરક્ષણ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ વિસ્તારના 28થી વધુ ગામોને પીવાનું પાણી પુરુ પાડતા દસ લાખ લિટર પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા RO પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જળ સંરક્ષણના કાર્યો અંતર્ગત છેલ્લા ત્રણ મહિનામાં તળાવો ઊંડા કરવાની તથા બોર રિચાર્જની કામગીરી કરવામાં આવી છે.

ફાઉન્ડેશન દ્વારા જળસંરક્ષણના કાર્યો આગામી વર્ષોમાં પણ જારી રહેશે. અદાણી ફાઉન્ડેશન ખાવડાની જનતાના પાયાના વિકાસ કાર્યો સુપેરે કરી શકે તે જનતાનો સહયોગ પણ એટલો જ જરૂરી છે.  

Leave a comment