કચ્છ સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઇવે 8એના સુરજબારી માળિયા વચ્ચેના વિસ્તારમાં આજે ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. વહેલી પરોઢના 3 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીના અરસામાં સળંગ 6 કલાક સુધી વાહનોની રફતાર થંભી ગઈ હતી, જેને લઈ 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. મળિયાના હરિપર બ્રિજ પાસેના ડાયવર્ઝન ઉપર મોરબી તરફનાં માર્ગે બે માલવાહક ટ્રેલર વચ્ચે અકસ્માત થતા માર્ગમાં અવરોધ ઉભો થતા અન્ય ટ્રક ચાલકો વાહનમાં સુઈ જતા બન્ને તરફ વાહનોની કતારો જમા થઈ જવા પામી હતી.એસટી બસ સહિતના વાહનો જામમાં ફસાઇ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તંત્રના પ્રયસોથી વાહન વ્યવહાર રાબેતા મુજબ બન્યો હતો.
આ અંગે સુરજબારી ટોલ ગેટના હાઇવે પેટ્રોલિંગ ની ટિમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વહેલી પરોઢે હરિપર બ્રિજ ઉપરના મોરબી તફના માર્ગે સિમેન્ટ અને લોખંડના પાઇપ ભરેલા ટ્રેલર વચ્ચે ટક્કર થતાં બન્ને વાહનો રોડ ઉપર અટવાઈ પડ્યા હતા, જેને લઈ ડાયવર્ઝન માર્ગ બંધ થતાં અન્ય વાહનો અટવાયા હતા, જોકે NHI ના ક્રેન દ્વારા અકસ્માત ગ્રસ્ત વાહનોને દૂર કરી દેવામાં આવ્યા છતાં અન્ય વાહન ચાલકો ગાડીમાં સુઈ જતા ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની હતી. હાઇવે પેટ્રોલિંગ , માળિયા અને સાંમખીયાળી પોલીસના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કારવાયો હતો.
