કચ્છમાં પ્રામિક શિક્ષકો રાજ્યવ્યાપી ચોક ડાઉન, પેન ડાઉન અને શટ ડાઉનમાં જોડાયા

~ જૂની પેન્શન યોજનાના અમલીકરણ, ફિક્સ પગારી યોજના મૂળ અસરથી દૂર કરો

~ માંગણી ન સંતોષાય તો આગામી સમયમાં વધુ આક્રમક કાર્યક્રમો આપવાની ચિમકી

સમગ્ર રાજયમાં જૂની પેન્શન યોજનાના અમલીકરણ, ફિક્સ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવી અને સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં અપાયો હતો.

ગત 14 અને 15 ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપ્યા બાદ 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં તમામ કર્મચારીઓએ ફરજ પર કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ 23 ફેબ્રુઆરીના રોજ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે રાજ્યભરના કર્મચારીઓ દ્વારા વિશાળ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જોકે આટલું બધું કરવા છતાં સરકાર તરફથી હજુ સુધી હકારાત્મક કાર્યવાહી ન થતાં કર્મચારી મંડળોઅે અાગળનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આક્રમક આંદોલન જાહેર કરતા 6 માર્ચે તમામ કર્મચારીઓને ચોક ડાઉન, શટ ડાઉન અને પેન ડાઉન કરી પોતાની માંગણીઓ બુલંદ કરવા આદેશ કર્યો હતો. મોરચા અને મહામંડળના આદેશ અન્વયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો હતો જે મુજબ બુધવારે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ તમામ શિક્ષકો ચોકડાઉન કરી શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હતા.

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો. અાગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમ અાપવામાં અાવશે અેવું કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Leave a comment