કચ્છી કલાકાર ઓસમાણ મીર અને જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો. મૂળ કચ્છના અને ગાયકી ક્ષેત્રે ખ્યાતિ મેળવનારા ઓસમાણ મીર અને લોકોના ચહેરા પર રોનક લાવનારા એવા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને બુધવારના સાંજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો હતો.
આ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી, કાયદો, ન્યાય તથા પાર્લામેન્ટરી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાળ, સંગીત નાટક અકાદમીના ચેરમેન સંધ્યા પુરેચા અને સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહનની ઉપસ્થિતિમાં તામ્રપત્ર, શાલ અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર અપાયો હતો. સમાજસેવક ત્રિવેદીએ એવોર્ડમાં મળેલી રકમ એક લાખમાં તરત જ દસ લાખ ઉમેરી સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં 11 લાખ રૂપિયાનાં ડિજિટલ એકસરે મશીનનું દાન કર્યુ હતું. નોંધનીય છે કે, ત્રિવેદી કચ્છમાં યોજાતા ડાયરા, સંતવાણીના કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે.
