જી. કે. જન. અદાણી હોસ્પિ.માં વિશ્વ મહિલા દિનની પૂર્વ સંધ્યાએ સ્ત્રીરોગ વિભાગ દ્વારા સ્ત્રી સ્વાસ્થ્ય અંગે યોજાયો કાર્યક્રમ

વર્તમાન યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્રે અગ્રેસર છે. સાથે સાથે પરિવારની પણ સંભાળ રાખે છે.પરંતુ પોતાના સ્વસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવા નિષ્કાળજી સેવે છે.ત્યારે જરૂરી બને છે કે મહિલાઓએ પોતાના સ્વાસ્થયનું  પણ ધ્યાન રાખવું જોઈએ જેથી પરિવાર સાથે પોતાની જિંદગી પણ ખુશહાલ બનાવી શકે, એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી સ્ત્રી રોગ વિભાગ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં તબીબોએ માર્ગદર્શન આપ્યું હતું.

મહિલા દિન નિમિતે આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે જી. કે. ના સ્ત્રીરોગ નિષ્ણાત ડો. પ્રફુલ્લાબેન કોટકએ કહ્યું કે, મહિલાઓની તંદુરસ્તીના પચાસ ટકા પોતાના હાથમાં છે,જ્યારે બાકી ચિકિત્સકને દવા છે.પોતાના માટે સમય નથી અને પરિવાર પ્રથમ છે. પરિણામે બી. પી., ડાયાબિટીસ,વજન વધારો, હાડકાંના રોગ સહિત અનેક બીમારી આવે છે. આથી નાની ઉમરે જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની જવું જોઈએ.

તેમણે કહ્યું કે, સ્ત્રીઓએ એક કલાક તો પોતાની સેહત માટે આપવી જ જોઈએ જેમાં કસરત,યોગ, સ્વસ્થ ભોજન દિનચર્યામાં સામેલ કરાય તો સ્વસ્થ રહેવું અઘરું નથી. આ ઉપરાંત તેમણે નિયમિત શારીરિક ચકાસણી અને ખાસ કરીને વજન સમતોલ રાખવું આવશ્યક છે કેમકે આ જ કોઈ પણ રોગની જળ છે.

આ પ્રસંગે સ્ત્રી રોગ નિષ્ણાત ડો ચાર્મી પાવાણીએ સ્ત્રીના કેટલાક ભયંકર રોગ અંગે સમજ આપતા જણાવ્યું કે, હાલમાં સર્વાઇકલ કેન્સર અર્થાત ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જીવનશૈલી સુધારવા સાથે રસી મૂકાવી  આવશ્યક છે. આ કેન્સર માટે પેપ્સમિયર ટેસ્ટ કરાવી  સુનિશ્ચિત થઈ જવું જોઈએ તેમણે આ તબ્બકે બ્રેસ્ટ કેન્સરની પણ માહિતી આપી હતી.

આ ઉપરાંત મહિલાઓમાં હિમોગ્લોબીનની ઉણપ સામાન્ય વાત બની ગઈ હોવાથી મેનોપોઝમાં ચીડિયાપણું, ગભરાટ અને ચક્કર આવવા લાગે છે, જો તેની  અનદેખી કરાય તો ગંભીર રોગ પણ થઈ શકે. આ સંજોગોમાં પણ દીકરીઓથી લઈને મોટી ઉંમર સુધીની મહિલાઓએ સ્વસ્થ ખોરાક ઉપર ધ્યાન આપવું જોઈએ.

મહિલાઓએ  ઘરેલુ હોય યા નોકરી કોઈપણ કામકાજમાં તણાવનું પ્રબંધન કરતા શીખી લેવું અથવા તો મનોચિકિત્સકની સલાહ લેવી જોઇએ. શારીરિક રીતે સ્વસ્થ રહેવા માનસિક સ્વસ્થ પણ એટલું જ જરૂરી છે. એવી સમજ ડો. ગ્રીષ્મા મહેતા, ડો. વિન્સી ગાંધી અને ડો.પ્રતીક્ષાએ આપી હતી તેમજ ઉમાબેન અને જ્યોતિબેન સિસ્ટર પણ સહયોગી રહ્યા હતા.

Leave a comment