જી.કે.જન. અદાણી હોસ્પિ.ના કાન,નાક અને ગળાના તબીબોએ શ્રવણ શક્તિ જાળવવા  સૂચવ્યા ઉપાયો

આપણી આસપાસની દુનિયાનો અવાજ જો આપણે સાંભળી ન શકીએ તો કેવી  સ્થિતિ સર્જાય એ તો સાંભળી ન શકે એને જ અંદાજ આવે છે. જો તમારે શ્રવણ શક્તિ જાળવી રાખવી હોય તો વર્તમાન યુગમાં કેટલીક જીવનશૈલીમાં પરિવર્તન લાવવું પડશે માટે કાનની સમસ્યા પ્રત્યે તો આંખ આડા કાન તો નહીં જ કરવા એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના કાન નાક અને ગળાના તબીબોએ જણાવ્યું હતું.

દર વર્ષે ત્રીજી માર્ચના રોજ ઉજવાતા વિશ્વ હિયારિંગ ડે નિમિત્તે કાન,નાક અને ગળા વિભાગના જી.કે. ના હેડ અને ચીફ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, આ પરિસ્થિતિ માટે પ્રાથમિક ધોરણે જીવનશૈલી જવાબદાર છે. એક સર્વે અનુસાર ભારતમાં છ કરોડથી વધુ લોકો સાંભળવાની  સમસ્યાથી પીડિત છે.

ડોક્ટર હિરાણીના જણાવ્યા અનુસાર કાન શરીરનું નાજુક અંગ છે એટલે તેની સંભાળ પણ સંવેદનશીલ છે.  અનેક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. પ્રથમ તો કપાસથી કાનની સફાઈ કે જાતે મેલ કાઢવો ના  જોઈએ. સ્નાન કરતી વખતે કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, નહિં તો ચેપ પણ લાગી શકે છે. ક્યારેક  પડદામાં કાણું પણ થઈ શકે છે.

વધુ સંભાળ માટે તબીબો એ કહ્યું કે, ધુમ્રપાન જેટલું ખરાબ હૃદય માટે છે એટલું જ નુક્સાન કાનને પહોંચાડે છે.  ધુમ્રપાનમાં રહેલું નિકોટીન કાનના લોહીના પરિભ્રમણને અસર કરે છે જેથી પણ શ્રવણ શક્તિ ગુમાવવાનો વારો આવે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, પ્રેશર, હૃદય રોગ,વારસાગત, દુર્ઘટના, કાનમાં સંક્રમણ, કાનમાં વધુ મેલ ભરાવો(વેક્સ)વગેરેને કારણે પણ કાનની સમસ્યા સર્જાતી હોય છે.

ઇયરફોન કે હેડફોનના વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ વધુ અવાજ કાનના પડદાને નુકસાન કરી શકે છે.વળી એક એવી સામાજિક જીવનશૈલી પણ સામે આવી છે કે લોકો ચસમાંને જેટલું મહત્વ આપે છે એટલું મહત્વ કાનના મશીનને નથી આપતા.માટે ભાગે તેની અવગણના કરે છે.આવું કરવાથી શ્રવણ સમસ્યા તો વકરે છે પણ ક્યારેક પાછળ આવતા વાહનનો અવાજ ના સાંભળવાથી અકસ્માત પણ થઈ શકે છે.

આમ કાન એક સંવેદનશીલ અવયવ હોતાં કાનની કોઈપણ નાની મોટી સમસ્યા હોય તો જાતે ડોકટર બનવાને બદલે નિષ્ણાત તબીબ પાસેથી સારવાર લેવી જોઈએ અને જરૂર પડે તો ઓપરેશન પણ કરાવી કાનને રોગમુક્ત કરવું આવશ્યક છે.

Leave a comment