નલિયામાં ઠંડી વધતાં ન્યૂનત્તમ પારો ગગડીને 11.4 ડિગ્રી

વિદાય લેતો શિયાળો જાણે કહેતો હોય કે, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ તેમ માવઠાના માર બાદ ઠારની ધાર વધુ તેજ બની છે અને લોકોને સાચવીને મૂકી દેવાયેલા ગરમ કપડા ઠંડી વધતા બહાર કાઢવા પડ્યા છે. લોકોને ઠંડી વધવાની સાથે નલિયામાં ન્યૂનત્તમ પારો 13.4 ડિગ્રી ગગડીને 11.4 ડિગ્રીઅે પહોંચતા નલિયા ફરી રાજ્યના સાૈથી ઠંડા મથકોમાં અવ્વલ સ્થાને રહ્યું હતું. કમોસમી વરસાદની અાગાહી બાદ કચ્છના ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉ, મુન્દ્રા પંથકમાં માવઠારૂપી ઝાપટાં પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, માવઠાની અસર હેઠળ દિવસ-રાતનું તાપમાન અેકંદરે સરખા અંતરે અાવી ગયું હતું. જો કે, શનિવારની રાત્રે પારો ગગડ્યો હતો અને પવનની ઝડપ વધતાં ઠંડીમાં વધી હતી.

રાજ્યના સાૈથી ઠંડા મથક નલિયામાં ઠાર વધ્યો હતો અને રાત્રિનું તાપમાન 13.4 ડિગ્રી નીચે સરકીને 11.4 ડિગ્રીઅે પહોંચી ગયું હતું. દિવસે 1.6 ડિગ્રી પારો ગગડીને 24.0 ડિગ્રીઅે પહોંચતાં ન માત્ર રાત્રે પરંતુ દિવસ પણ ઠંડું રહ્યું હતું. કંડલા અેરપોર્ટમાં પણ ઠંડી વધવાની સાથે ન્યૂનત્તમ તાપમાન 7.4 ડિગ્રી નીચે સરકીને 12 ડિગ્રીઅે સ્થિર થયું હતું. તો વળી દિવસે પારો 1.8 ડિગ્રી ગગડીને 27.8 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં પણ ઠારની ધાર તેજ બનવાની સાથે રાત્રે પારો 7.8 ડિગ્રી નીચે સરકીને 13.1 ડિગ્રીઅે પહોંચ્યો હતો. દિવસે 27.3 ડિગ્રી તાપમાન રહેતાં લોકોને ઠંડીમાંથી રાહત થઇ હતી. જો કે, બપોર બાદ ઠંડા પવનના કારણે ઠંડીમાં અાંશિક વધારો થયો હતો. કંડલા પોર્ટમાં ઠાર વધતાં પારો 6.5 ડિગ્રી નીચે સરકીને 13.9 ડિગ્રીઅે જયારે દિવસે 2 ડિગ્રી પારો ગગડીને 25.5 ડિગ્રીઅે સ્થિર થયો હતો.

સપ્તાહમાં મહત્તમ, લઘુત્તમ પારો 3થી 4 ડિગ્રી ઉંચકાશે

અેક તબક્કે પારો ઉંચકાવાની સાથે રાત્રે અાંશિક ઠંડક તો દિવસે ગરમી અેમ મિશ્ર ઋતુ અનુભવાતી હતી પરંતુ માવઠાની અસર હેઠળ પારો ગગડવાની સાથે ઠંડી વધી છે. જો કે, હવામાન વિભાગના કહેવા મુજબ સપ્તાહ દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી ઉંચકાવાની સાથે ઠંડીમાંથી રાહત મળશે.

નલિયામાં પવન વેગે ઠાર વધુ ડંખીલો બન્યો

અબડાસા તાલુકામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ આવતા વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે પવનની ગતિ વધી છે, જેના કારણે નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડંખીલા પવનના પગલે સૂકોઠાર દિવસ દરમિયાન રહેતા લોકો સ્વેટર, ટોપલા સહિતના ગરમ કપડામાં દેખાયા હતા. રવિવારે પવન વેગે ઠંડીનું જોર વધતાં તેની અસર લોકોની સાથે દુધાળા ઢોર, પશુઓ પર વર્તાઇ હતી.

Leave a comment