આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

નવો મહિનો એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે, આ સાથે ઘણા ફેરફારો પણ થયા છે. આ ફેરફારો તમારા જીવન અને ખિસ્સા પર પણ અસર કરશે. આજથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા મોંઘા થયા છે. જો તમે ફાસ્ટેગનું કેવાયસી કર્યું નથી, તો ફાસ્ટેગ આજથી ઇનએક્ટિવ થઈ જશે. આ સિવાય GSTના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

અમે તમને એવા 3 ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ જે આજથી થયા છે…

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો

દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 25.50 રૂપિયા વધીને 1795 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલાં 1769.50 રૂપિયા હતી. કોલકાતામાં કિંમત 24 રૂપિયા વધીને 1887 રૂપિયાથી 1911 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1723.50 રૂપિયામાં મળતો હતો જે હવે 25.50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. હવે તે 1749 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જ્યારે ચેન્નાઈમાં સિલિન્ડરની કિંમત 1937 રૂપિયાથી 23.50 રૂપિયા વધીને 1960.50 રૂપિયા થઈ ગઈ છે.

જોકે, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં તે દિલ્હીમાં 903 રૂપિયા, ભોપાલમાં 908 રૂપિયા અને જયપુરમાં 906 રૂપિયામાં ઉપલબ્ધ છે.

2. KYC વિના ફાસ્ટેગ ઇનએક્ટિવ કરવામાં આવશે

સરકારે ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી હતી. આવી સ્થિતિમાં જેમણે નિયત તારીખ સુધીમાં KYC પૂર્ણ કર્યું નથી. તેમના ફાસ્ટેગને બ્લેકલિસ્ટ અથવા ઇનએક્ટિવ કરવામાં આવશે. આ પછી, ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં પેમેન્ટ થઈ શકશે નહીં. જેના કારણે તેમને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.

3. GST નિયમોમાં ફેરફાર

કેન્દ્ર સરકારે જીએસટીના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે 5 કરોડથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં.આ નિયમ શુક્રવારથી લાગુ થશે.

આ ઉપરાંત, GST ટેક્સ સિસ્ટમ હેઠળ જ્યારે 50,000 રૂપિયાથી વધુની કિંમતનો માલ એક રાજ્યથી બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે, ત્યારે ઇ-વે બિલ જાળવી રાખવું જરૂરી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

આજે એટલે કે 1 માર્ચ (શુક્રવાર)ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. લગભગ દોઢ વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

માર્ચમાં બેંકો 14 દિવસ બંધ રહેશે

માર્ચ મહિનામાં 5 રવિવાર અને બીજા અને ચોથા શનિવાર સિવાય બેંકો 7 દિવસ સુધી અલગ-અલગ સ્થળોએ કામ કરશે નહીં. 25મી માર્ચે પણ હોળીના દિવસે બેંકો બંધ રહેશે. આ સિવાય ગુડ ફ્રાઈડે એટલે કે 29 માર્ચે બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય.

Leave a comment