ભુજ-મુંબઇ વચ્ચે એર ઇન્ડિયાની 120 મુસાફરની બેઠક ક્ષમતાવાળી દૈનિક વિમાની સેવા શરૂ

કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા કચ્છી માંડું ઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ભુજ-મુંબઈ માટેની દૈનિક વિમાની સેવાનો આખરે આજથી પ્રારંભ થયો છે. એર ઇન્ડિયા દ્વારા આજે શુક્રવારથી આ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. હવાઈ સુવિધામાં વધારો થતાં સ્થાનિક સાથે લાભાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. ભુજ મુંબઇ 120 બેઠક સાથેની દૈનિક ફ્લાઇટ શરૂ થતાં ભુજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરંપરાગત રીતે હવાઈ જહાજનું વોટર કેનન વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ વેળાએ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર નવીનકુમાર સાગર તથા મુંબઈથી ભુજ આવેલા એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી કોમર્શિયલ જનરલ મેનેજર પૂર્ણિમાબેન નેરુરકર, પ્રદીપ મંગતાણી (કાર્યવાહક જનરલ મેનેજર), યોગેશ માડલાણી (એસો. મેનેજર- સેલ્સ), અખિલેશ કુમાર પાન્ડે (કમાન્ડિંગ ઓફિસર, એરપોર્ટ) તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ અંગે અધિકારી ગણે કહ્યું હતું કે ભવિષ્યમાં સારો ટ્રાફિક મળતો રહેશે તો આગામી સમયમાં 186 સીટની ફ્લાઈટની સેવા પણ શરુ કરવામાં આવશે. એર કારગો લગેજ-સામાન સર્વિસની વિમાની મુસાફરીમાં લગેજ લઇ જવાનો જે મુદ્દો હતો તેનું પણ નિરાકરણ આવી ગયું છે અને ભુજથી જ એર ઇન્ડિયામાં વિદેશ સુધી મુસાફરી કરનાર મુસાફરોનું ભુજમાં ચેકિંગ થઇ ગયા બાદ વિદેશ સુધી કોઈ ચેકિંગ કરવામાં આવશે નહિ અને તેમનો સામાન સીધો જ વિદેશમાં પહોંચી જશે જેથી વારંવાર સામાન કલીઅરન્સની મુશ્કેલી રહેશે નહીં.

વધુ બેઠક સાથેની ફ્લાઇટ્સ સેવા અંગે મસ્કત સ્થિત ગ્લોબલ કચ્છ ફેડેરેશનના વાઈસ ચેરમેન ચંદ્રકાન્ત ચોથાણીએ જણાવ્યું હતું કે, કચ્છની જરૂરિયાત, ટ્રાફિક, મુસાફરોની સંખ્યા તથા વિદેશી એનઆરઆઇ કચ્છીઓ માટે એર કનેકટીવીટી મળવાથી તેમની સગવડમાં વધારો થશે અને વધુ ને વધુ પ્રવાસીઓ કચ્છ આવશે. આ સેવાની શરૂઆતથી મસ્કત, લંડન, સહિતનાં દેશોમાં વસતા કચ્છીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

Leave a comment