મિલેટ ફૂડ ‘શ્રી અન્ન’ને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન તથા કચ્છ કોપર દ્વારા મુંદ્રા ખાતે વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા

મિલેટ ફૂડ ‘શ્રી અન્ન’ને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન તથા કચ્છ કોપર દ્વારા મુંદ્રા ખાતે વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા હતા. જેમાં ફૂડ પ્રદર્શન, જાગૃતિ સેમિનાર સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં પણ આવ્યું હતું. આ ખાસ ઉજવણીમાં કચ્છ જિલ્લા ICDS અધિકારી સહિત અદાણી જૂથના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાપનમાં પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહક ગિફ્ટ અને વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી.

અદાણી હાઉસ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુંદ્રા અને માંડવીની 2000 થી વધુ બહેનોએ બનાવેલી મિલેટ્સની સ્વાદિષ્ટ વાનગીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત પ્રદર્શનમાં સહભાગી 100 મહિલાઓ ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવી હતી. આ ફૂડ પ્રદર્શનમાં વાનગીઓમાં વપરાતા ઘટકો તેમજ તેના પોષક મૂલ્યોને પ્રકાશિત કરતા પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા.

પ્રાચીનયુગથી ઉગાડવામાં આવતું જાડું ધાન્ય (મિલેટ્સ) વિશિષ્ટ ઔષધિય ગુણો ધરાવતુ ‘પોષ્ટિક-અનાજ’ છે. ભારતમાં 10 જાતના મિલેટ્સ ઉપલબ્ધ છે. જેમાં જુવાર, બાજરી, રાગી અને નાની મિલેટ્સ એટલે કે કાંગણી, ચીનો, કોડો, સનવા, કુટકી વગેરેનો સમાવેશ થાય છે. મિલેટ્સ અંગે ખેડુતોમાં જાગૃતિ, મિલેટ્સથી થતા સ્વાસ્થ્ય લાભો તેમજ મિલેટ્સથી તૈયાર થતી વિવિધ વાનગીઓના પ્રદર્શનો થકી લોકોને માહિતગાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે જોડાયેલી ખાસ વાનગીઓના રસથાળમાં મિલેટ્સને આવરી લેવામાં આવ્યા છે. મકરસક્રાંતિમાં તલની વાનગીઓ, શરદ પુર્ણિમાએ દૂધપૌઆ વગેરેમાં વપરાતા ખાદ્યાન્નનો મુખ્ય હેતુ આરોગ્યપ્રદ જીવનશૈલી સાથે સંકળાયેલો છે. જાડું ધાન્ય કુપોષણ દૂર કરવાથી માંડીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ સામે લડવામાં ખૂબ મદદરૂપ થાય છે.

અદાણી ફાઉન્ડેશનની ઉમદા પહેલને આવકારતા ICDS અધિકારીએ સૌને મિલેટ્સ ફૂડ અપનાવવા અને તે અંગે બીજા લોકોને પ્રેરિત કરવા અપીલ કરી હતી. મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોષીએ મુંદ્રાને શ્રેષ્ઠ શહેર બનાવવા સૌને સહકારની અપીલ કરી હતી. APSEZના CEO સુજલ શાહે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે મિલેટ્સ અપનાવવાના પ્રયાસોને બિરદાવતા તેને દેશની વિકાસયાત્રામાં યોગદાન આપનારા ગણાવ્યા હતા. અદાણી ફાઉન્ડેશને ટકાઉ અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સહભાગીઓનો આભાર માન્યો હતો.  સુપર ફૂડ ગણાતા મિલેટ્સનો ભારત વિશ્વમાં સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે. જો તેને વધુ પ્રોત્સાહન મળે તો કિસાનો તેમજ દેશને આર્થિક ફાયદો થઈ શકે તેમ છે. વળી મિલેટ્સ ક્રૉપમાં પાણીની જરૂર ખૂબ ઓછી પડે છે તેથી તે કચ્છ જેવા પ્રદેશ માટે વધુ અનુકૂળ છે. રાગીનો હલવો, જુવારની ખિચડી કે પુલાવ જેવી વાનગીઓ દેશ-વિદેશમાં પ્રચલિત અને લોકપ્રિય થઈ રહી છે.     

Leave a comment