ભચાઉ નગરપાલિકા દ્વારા રવિવારે શહેરના નવા બસ સ્ટેશન રોડ ઉપર આવેલા કેબિન, રેંકડી સહિતના દબાણો દૂર કરાયા હતા. ભચાઉમાં વધતા જતા દબાણો બાબતે શહેરના સભ્ય સમાજમાં સતત ચિંતા વ્યક્ત થઇ રહી હતી અને કેટલાક જાગૃત લોકો દ્વારા નગરપાલિકા અને ભાડા કચેરીને આ અતિક્રમણ બાબતે સૂચનો પણ મોકલાવ્યા હતા, જેને લઈને ભચાઉ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાનું જાણે મેણું ભાંગ્યું હોય તેમ નગરપાલિકા કચેરીથી નવા એસટી બસ સ્ટેશન, મુખ્ય રોડના ફૂટપાથ પર મુકાયેલી કેબીનો અને કાચા છાપરાઓને દૂર કરીને પાલિકાની ટીમે 40 જેટલા દબાણો દૂર કર્યા હતા.
નગરપાલિકાના વહીવટ કરતા અને મામલતદાર મોડસિંહ રાજપુત અને ચીફ ઓફિસર સંજય પટેલના માર્ગદર્શન હેઠળ ભચાઉ નગરપાલિકાના એન્જિનિયર સેલેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં પાલિકાની ટીમને સાથે રાખીને દબાણ હટાવવાની આ કામગીરી કરવામાં આવી હતી. ફૂટપાટ પર ખડકાયેલી 40 જેટલી કેબીનોમાંથી માત્ર જૂજ જ કેબીનો ચાલુ હતી અને મોટાભાગની રેંકડી, કેબીનો જગ્યા રોકવાના આશય સાથે મૂકવામાં આવેલી હતી.
પાલિકાના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કેબીન અને રેંકડીઓ હટાવવાની કામગીરીનો આરંભ થયો ત્યારથી શહેરના કેટલાક મહાનુભાવો દ્વારા કેબીનો ન હટાવવા માટે ભલામણો થવા લાગી હતી. શહેરમાં વધતા જતા અતિક્રમણ સામે પાલિકાના કેટલાક નગરસેવકો અને પૂર્વ રાજકીય આગેવાનો સહિતના જો દબાણ ન હટાવવાની ભલામણો કરવાનું બંધ કરે તો ભચાઉ શહેર દબાણ મુકત શહેર જાહેર થઈ શકે એમ છે.
