ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. સોમવારે ચોથા દિવસે ટીમે 5 વિકેટ ગુમાવીને 192 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 3-1થી આગળ છે એટલે કે પાંચ મેચની શ્રેણી પણ જીતી લીધી છે. આ સિરીઝ જીત સાથે જ ભારતીય ટીમે ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ સિરીઝ જીતી છે.
ધ્રુવ જુરેલે ટોમ હાર્ટલીના બોલ પર બે રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા (55) અને શુભમન ગિલ (52)એ બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે તેની બીજી ઇનિંગ 40/0ના સ્કોર સાથે આગળ ધપાવ્યો હતો.
ઇંગ્લિશ ટીમ ત્રીજા દિવસના ત્રીજા સેશનમાં બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડની 46 રનની લીડના આધારે ભારતને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 353 રન અને ભારતીય ટીમ 307 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
