જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સકોએ વિધાર્થીઓ કોઈપણ સ્ટ્રેસ રાખ્યા વિના ખુલ્લા મનથી પરીક્ષા આપી શકે એ માટે જુદી જુદી શાળાઓમાં વ્યાખ્યાન આપી પરીક્ષાર્થીઓનું મનોબળ વધારતા કહ્યું કે,પરીક્ષા માટેની અધૂરી તૈયારી જ સ્ટ્રેસનું કારણ બને છે.
જી.કે.ના મનોચિકિત્સક અને પ્રોફે.ડો.મહેશ ટીલવાણીએ ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલ, જૈનાચાર્ય અજરામરજી ઉચ્ચ માધ્યમિક શાળા,ભુજ ઈંગ્લીશ સ્કુલ, વહેદના સ્કુલ,કુકમાની લાયન સ્કુલ, ઇન્નર વ્હીલ ક્લબ ઓફ રોટરી ફ્લેમિંગો વિગેરેમાં શ્રેણીબદ્ધ સ્થળે તેમણે પરીક્ષાર્થીઓને સંપૂર્ણ તૈયારી માટે ટિપ્સ આપતા જણાવ્યું કે,અંતિમ પળોમાં જાગવાને બદલે શરૂઆતના દિવસોમાં તૈયારી શરૂ કરો.બુકનો ખૂણે ખૂણો વાંચો.કોણ જાણે ક્યાંથી પ્રશ્ન પૂછાય.પછી કોઈ સ્ટ્રેસ નહીં રહે.
છતાં પણ જે પરિણામ આવે તેની ચિંતા નહિ કરવાની એવું આશ્વાસન આપી ડો. ટીલવાણીએ ઉમેર્યું કે,આવું આશ્વાસન દરેક શિક્ષક અને વાલીઓએ પણ બાળકોને આપવું કે, માર્કસ કરતાં બાળકો મહત્વના છે તો તેઓ જિંદગીની બીજી મોટી પરીક્ષા માટે તૈયાર રહેશે.આ વ્યાખ્યાન માળામાં મનોચિકિત્સક કંગના દેસાઈ,બાંસિતા પટેલ અને કાઉન્સેલર હેતલબેન ગોહિલ પણ જોડાયા હતા.સંકલન મહંમદ હુસેન બાયડે કર્યું હતું.
કુકમા શાળાના બાળકોએ જાગૃતિ દર્શાવી
કુકમા લાયન શાળાના બાળકો પરીક્ષા માટે જાણે પહેલેથીજ જાગૃત હોય તેવો અહેસાસ મનોચિકિત્સકોને કરાવી પ્રશ્નોની ઝડી વરસાવી હતી.યાદ ના રહે તો શું કરવું,પેપર અધૂરું રહી જાય તો શું કરવું,તૈયારી કેમ કરવી,પરીક્ષાનો ડર, જીવનનો ધ્યેય,વ્યક્તિત્વ વિકાસ અને પરીક્ષા વિગેરે બાબતો આવરી હતી.મનોચિકિત્સકોએ તમામ પ્રશ્નોના સંતોષ કારક ઉત્તર આપ્યા હતા.
