દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધીમી પડી રહેલી ધિરાણ માગ અને થાપણ મેળવવા કરવા પડી રહેલા સંઘર્ષને પરિણામે બેન્કોના માર્જિન પર આગળ જતા દબાણ આવી શકે છે તેવી ગણતરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ જાન્યુઆરી બાદ ફેબુ્રઆરીમાં પણ નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીના શેરોનું ઓફ્ફલોડિંગ ચાલુ રાખ્યું છે.
જાન્યુઆરીમાં રૂપિયા ૩૦,૦૦૦ કરોડના શેરોનું વેચાણ બાદ વિદેશી રોકાણકારોએ વર્તમાન મહિનાના પ્રથમ પખવાડિયામાં રૂપિયા ૭૫૩૬ કરોડના બેન્ક શેરોનું વેચાણ કર્યું હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
પોતાની નાણાંકીય જરૂરિયાત માટે નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ (એનબીએફસી)એ બેન્કો પર જ મદાર રાખવો પડતો હોવાથી તેમના પર પણ દબાણ આવી રહ્યું છે.
નાણાંકીય સેવા ક્ષેત્રના શેરો ઉપરાંત બાંધકામ, ટેલિકોમ, એફએમસીજી, વીજ, મેટલ શેરોમાં પણ એફઆઈઆઈની વેચવાલી રહી છે જ્યારે આરોગ્ય સંભાળ, આઈટી, ઓટોમાં નેટ ઈન્ફલોઝ રહ્યો હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
વર્તમાન કેલેન્ડર વર્ષમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝ બજારમાં ૩.૫૦ અબજ ડોલરનું વેચાણ કર્યું છે, પરંતુ ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ આ વેચવાલીને ગ્રહણ કરી લેતા બજારમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી.
ચીનની ઈક્વિટીઝ સાથે જોખમો સંકળાયેલા હોવાથી ભારતીય બજારમાં એફઆઈઆઈ ટૂંક સમયમાં સક્રિય બનશે તેમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
મૂલ્યાંકનો પ્રમાણે ભારતીય કંપનીઓના વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના નબળા અર્નિંગ્સને કારણે ભારતમાંથી આઉટફલોઝ જોવા મળ્યો છે. મૂલ્યાંકનો પ્રમાણે અર્નિંગ્સ જોવા નહીં મળતા વિદેશી રોકાણકારો સાવચેત બની ગયા છે.
ભારતીય કંપનીઓમાં એફઆઈઆઈનું જંગી વેચાણ એચડીએફસી બેન્કના પરિણામો બાદ જોવા મળ્યું છે.
