~ રોગને અનુરૂપ આહાર લેવાય તો અન્ન ઔષધિ બની આરોગ્ય દાતા પુરવાર થાય
કચ્છના લોકો હવે ખોરાક અને આરોગ્યનું મૂલ્ય સમજી જાગૃત થયા છે.કયા રોગમાં કે કઈ ઋતુમાં કેવો ખોરાક નિરોગી રહેવા માટે જરૂરી છે તે જાણવા જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના આહાર વિભાગનો સંપર્ક સાધવાનું પ્રમાણ વધ્યું છે.પ્રતિ માસ દરમિયાન અંદાજે ૨૦૦ જેટલા દર્દી કે સ્વસ્થ વ્યક્તિ પણ કેવો ખોરાક લેવો તે જાણવા હોસ્પિટલની મુલાકાત લેતા થયા છે.
જી.કે.ના ડાયેટ વિભાગના આહાર શાસ્ત્રી અનિલા પરમારે કહ્યું કે,ક્યારે, કેવો,કેટલો અને કેમ ખોરાક લેવો તે માટે સીધો આ ડાયેટ વિભાગનો સંપર્ક કરે છે, તો બીજી તરફ જુદા જુદા વિભાગો જેમકે ગાયનેક, મેડિસીન, ફિઝીઓ, સર્જરી જેવા વિભાગો પણ દર્દીને અત્રે રિફર કરી આહાર અંગે માગૅદશૅન લેવા મોકલી છે.
તેમના જણાવ્યા મુજબ આમ જુઓ તો આહાર જ ઔષધ છે. જો ઋતુ પ્રમાણે અને દર્દને અનુરૂપ ભોજનના ચોક્કસ માપદંડ સમજી ખોરાક લેવાય તો અન્ન આરોગ્ય દાતા બની શકે છે. વર્તમાન વસંત ઋતુનો દાખલો આપી તેમણે કહ્યું કે, જો ઋતુ પ્રમાણે સેવન થાય તો નિરોગી રહી શકાય છે. વસંતમાં કફનું પ્રમાણ વધી જાય છે.સુસ્તી લાગે, ભૂખ ઓછી લાગે છે ત્યારે કફ નાશક ખોરાક લેવાય તો સ્વાસ્થ્ય જળવાય જેમકે મગની દાળ, મકાઈ, બાજરો લઈ શકાય સાથે મીઠાઈ તેમજ ગેસ કારક વસ્તુ જેમકે રાજમાં, અડદ વિગેરેથી દૂર રહેવું.
અન્ય આહાર શાસ્ત્રી પૃથ્વીબેન લખલાનીએ ખોરાકના ૬ રસનો ઉલ્લેખ કરી કહ્યું કે, ખાટું, તીખું, તૂરું, ખારું, મીઠું અને કડવું આ દરેક રસનું જો સંતુલન જળવાય તો બીમારી દૂર રહે છે. પાચન ક્રિયા સુદ્રઢ બને છે. જો આમાંથી કોઈનો અતિરેક થાય તો પાચનમાં વિક્ષેપ સર્જાય અને બીમારી દેખાય. આ રીતે સંતુલિત અને પોષણ યુક્ત ખોરાક સ્વાસ્થ્ય માટે વરદાન બની શકે.
આહારના પ્રકાર અંગે ઉર્વી મોતા અને સોનુ યાદવ જેવા આહાર નિષ્ણાતના જણાવ્યા મુજબ ખોરાક બે પ્રકારના હોય છે. પથ્ય એટલે પચી શકે તેવું અને અપથ્ય એટલે પચે નહીં તેવું. પચે નહીં તેવો ખોરાક ઘણી બાબતો ઉપર નિર્ભર છે જેમકે, જમવામાં ભોજનની માત્રા, ભોજન બનાવ્યાનો સમય, ક્યારે જમ્યા, ભોજનના કાચા પદાર્થોની ગુણવતા, રાંધવાની પ્રક્રિયા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.
કાઉસેલિંગ માટે આવતા લોકોને સામાન્ય નિયમો ઉપરાંત તેમના રોગ મુજબ આહારમાં મૌસમી ફળો, જૂનું અનાજ, ભૂખ કરતાં ઓછું ખાવું, ભૂખ લાગે ત્યારે જ જમવું, જમતી વખતે અન્ય પ્રવૃતી જેમકે ટી.વી. જોવાથી દૂર રહેવું, હાથ ધોવા, આનંદિત રહેવું વિગેરેનો ખ્યાલ રખાય તો બીમારી નહિ ફળકે. વિરુદ્ધ આહારની પણ સમજ આપવામાં આવે છે.
ભોજન બાદ પણ જો ભારેપણું લાગે તો સમજવું કે ભોજન પચ્યું નથી. આમ સાવધાનીથી ખોરાક લેવાય તો ઔષધિ છે, ભૂખ્યા માટે ભોજન દુઆ છે અને બીમાર વ્યક્તિ માટે તેના રોગને અનુરૂપ ભોજનનું સંયોજન આપવામાં આવે તો ઔષધિ છે.
