68 વર્ષ બાદ દેશમાં એકસાથે 6 એઇમ્સનું લોકાર્પણ કરશે PM મોદી

આગામી 25 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટમાં એક ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે અને 68 વર્ષ બાદ દેશમાં એકસાથે એક બે નહિ પરંતુ છ-છ એઇમ્સનું લોકાર્પણ કરવાના છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે દ્વારકાથી સીધા જ એઇમ્સ ખાતે આવી વડાપ્રધાન OPD વિભાગનું લોકાર્પણ કરી રાજકોટ એઇમ્સના તમામ વિભાગોનું નિરીક્ષણ કરશે. બાદમાં એઇમ્સના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર પાસેથી રાજકોટ એઇમ્સ અંગેની માહિતી મેળવશે.

5 એઇમ્સનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે

ડ્રીમ પ્રોજેક્ટની યાદીમાં જેમનો સમાવેશ થાય છે તે ગુજરાતની પ્રથમ એઇમ્સનું આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. 24 તારીખે દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ 25 ફેબ્રુઆરીના રોજ હેલિકોપ્ટર મારફત રાજકોટ એઇમ્સ સંકુલ ખાતે બપોરના સમયે આવી પહોંચશે. જ્યાં રાજકોટ એઇમ્સનું લોકાર્પણ કર્યા બાદ તેઓ રાજકોટની સાથો સાથ ભટીન્ડા (પંજાબ), રાયબરેલી (ઉત્તરપ્રદેશ), કલ્યાણી (વેસ્ટ બેંગોલ), બીબીનગર (તેલંગાણા) અને જમ્મુ એઇમ્સ સહિત કુલ 5 એઇમ્સનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં વર્ષ 1952માં દિલ્હી ખાતે પ્રથમ એઇમ્સનો પાયો નખાયો હતો. બાદમાં 1956માં દિલ્હી એઇમ્સ કાર્યરત થઈ ત્યારથી લઈ 68 વર્ષના ઇતિહાસમાં દેશમાં એકસાથે 6 એઇમ્સ લોકાર્પણ થતી હોવાની આ પહેલી ઘટના છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં કાર્યરત થનાર 250 બેડની એઇમ્સના ઈમર્જન્સી વિભાગ, એમઆરઆઈ સહિતના વિભાગોની 15 મિનિટ સુધી મુલાકાત લઈ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર પાસેથી માહિતી મેળવશે.

Leave a comment