ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા અગાઉ આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યમાં 1.10 લાખ કરતાં વધુ અને અમદાવાદમાં 15 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સ્કૂલમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓની DEOએ ફૂલ આપી સ્વાગત કર્યું હતું.
50 માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે
આજથી રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓની આજથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની પરીક્ષા શરૂ થઈ છે. આજથી શરૂ થયેલી પરીક્ષા 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. અલગ અલગ દિવસે અલગ અલગ વિદ્યાર્થીઓ ફાળવેલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપશે. અમદાવાદના 26 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ છે. જે 1 વાગ્યા સુધી ચાલશે. 50 માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે.
તમામ સ્કૂલોને ભયમુક્ત વાતાવરણ બનાવવા સૂચના
અમદાવાદની બેસ્ટ સ્કૂલમાં પણ પરીક્ષા માટે કેન્દ્ર આપવામાં આવ્યું છે. જ્યાં અમદાવાદ શહેર DEO હાજર રહ્યા હતા. DEO દ્વારા તમામ વિદ્યાર્થીને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. DEO દ્વારા પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સૂચના આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી છે.
