વાતાવરણમાં દિવસ અને રાત વચ્ચે તફાવત જોવા મળે છે. દિવસે ક્યારેક તાપ હોય છે તો ક્યારેક વાદળછાયું હવામાન અને રાત્રી ઠરે છે. આવા વિષમ તાપમાન વચ્ચેના તફાવતની અસર શરીર ઉપર પણ પડે છે. તેમાં પ્રદૂષણ પોતાનો પ્રકોપ ઠાલવે છે તે વધારામાં જેથી એલર્જી, શરદી, તાવ,ગળામાં ખારાસ જેવી સમસ્યા સામાન્ય બની જાય છે ત્યારે જી. કે જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગે આવશ્યક સતર્કતા રાખવા પાંચ જેટલા ઉપાયો સૂચવ્યા છે.
જી.કે.ના મેડિસિન વિભાગમાં સામાન્ય દિવસો કરતાં આ મોસમમાં ૩૦ ટકા ઋતુગત દર્દીઓમાં વધારો જોવા મળે છે.
મેડિસિન વિભાગના ડો.યેશા ચૌહાણ અને ડો.મોહિની શાહના જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિમાં એલર્જીની આશંકા પ્રબળ હોય છે. તાપમાનમાં ઉતાર ચઢાવથી આ પરિસ્થિતિ વધુ વકરે છે. જેથી શરદી ઉધરસ અને ત્વચાની એલર્જીના રોગ વધુ દેખાય છે. ક્યારેક વાયરલ ફ્લૂનો તો ક્યારેક ન્યૂમોનિયા વધુ જોવા મળે છે. આવા અચાનક ગંભીર લક્ષણો દેખાય તો તુરંત તબીબની સલાહ લેવી.
આવા હવામાનમાં શ્વાસનું સંક્રમણપણ વધી શકે છે. વાયરલ ન્યુમોનિયા થઈ શકે છે. બાળકોની વૃદ્ધોની ખાસ સંભાળ રાખવાની હોય છે, તેમાંય જેને દમ અથવા તો બીજી કોઈ બીમારી હોય તો તેમના લક્ષણ ગંભીર બની શકે છે. આવું જણાય તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને ખાનપાનમાં ધ્યાન રાખવું જરૂરી બને છે. કોઈપણ દવા જાતે ન કરવી. ગળફા નું પ્રમાણ વધી જાય અને ફેફસાનું સંક્રમણ હોય તો તુરંત તબીબનો સંપર્ક જરૂરી બને છે.
મોસમના બદલાવ સાથે રોજિંદા કાર્યમાં અસર થાય છે. મૂડ બગડે છે. સ્વભાવ ચીડિયો બની જાય છે. ચિંતા, ડિપ્રેશન, થકાવટ જણાય છે. ઠંડીને કારણે સામાન્ય રીતે લોકો પાણી પીવાનું ઓછું કરી નાખે છે પણ તાપમાન વધે તો શરીરને પાણીની જરૂર પડે છે. પાણી પીતા રહેવું. દૂધ દહીંનું પણ સેવન કરવું જરૂરી બને છે. મોસમ પરિવર્તનથી ઊંઘનું ચક્ર પણ બગડી જાય છે. પોષક તત્વોથી ભરપૂર ભોજન,વ્યામ અને યોગની સલાહ આપવામાં આવે છે.
આ ઋતુમાં ત્વચામાં ભેજ ઘટી જાય છે, ચામડી સુકી થઇ જાય છે, ત્વચા સંક્રમણની અસર થઈ શકે છે. ક્યારેક સિન્થેટિક કપડાથી પણ એલર્જી થાય છે. આવા સંજોગોમાં હીટરથી દૂર રહેવું.જો તવચા સુકી લાગે કે ખંજવાળ આવે તો ચોક્કસ તબીબની સલાહ લેવી જોઈએ.
