સંતુલિત આહાર દ્વારા શરીરને અને સકારાત્મક ભાવના દ્વારા મનને જુદી જુદી રીતે સ્વસ્થ રાખવા જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો દ્વારા હ્યુમન સ્પિરિટ ડે (વિશ્વ માનવીય ભાવના દિવસ) નિમિત્તે જણાવ્યું હતું.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, આજના આ ભાગ દોડ અને તીવ્ર હરીફાઈના યુગમાં માનવીઓ માનસિક સહિત અનેક રોગથી ત્રસ્ત છે. દેશની વસ્તી પ્રમાણે માનસિક સહિત અનેક રોગનું પ્રમાણ મોટું કહી શકાય તેટલું છે. એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે શરીર અને મન વચ્ચે સામંજસ્ય જરૂરી છે.
તેમના જણાવ્યા મુજબ શરીરને સ્વસ્થ રાખવા માટે સમતોલ ખોરાક પ્રથમ શરત છે અને વ્યાયામ, યોગ અને સૂવા ઉઠવાની નિયમિતતા બીજું સૂત્ર છે. ભાવનાત્મક રીતે સ્વસ્થ રહેવા સકારાત્મકતા એટલી જ આવશ્યકતા છે. આ બધું વિચારવાથી નહીં, પણ અમલમાં મુકવાનો પ્રયાસ કરવાથી શક્ય બનશે.
જીવનમાં આવતી અને આવનારી કોઈ પણ મૂસીબત કે નકારાત્મક પરિસ્થિતિ અને સંઘર્ષ વચ્ચે પણ સકારાત્મક રહેવાય તો માનસિક અને શારીરિક ગરબડ ચોક્કસ ઓછી થાય છે. મેડિકલ સાયન્સનો એક મહત્વનો સિદ્ધાંત છે કે, તમે પોતાની જાતને શ્રેષ્ઠ માનવાની સાથે શ્રેષ્ઠ આપવાનું પણ રાખવું જોઈએ.
આ બાબતમાં એ પણ ધ્યાન રાખવું આવશ્યક છે કે, જીવનમાં અસફળતા મળી પણ શકે છે જીવનમાં આગળ વધવા તે ક્યારેક સંજીવની પુરવાર થાય છે. પરંતુ વ્યક્તિ અસફળતા તળે દબાઈ ન જાય તે જોવાનું જરૂરી છે. જો દબાણમાં હોય તો તેને દૂર કરવાની કોશિશ કરવી અનિવાર્ય બની રહે છે.
સામાજિક,આર્થિક કે પ્રવૃત્તિના દબાણ વચ્ચે પણ કેમ શાંત રહી શકાય એ અંગે તબીબોના મંતવ્ય પ્રમાણે ધ્યાન યોગ કરવા સમય કાઢો, લોકોના સારા કામની પ્રશંસા કરો,સોશિયલ મીડિયા પર લોકોની પ્રસંશા કરો,એક બીજા સાથે જોડાયેલા રહો અને તમારી જાતને પ્રેમ કરો,વધુ વાંચવાનું રાખો.આ બધું કરવાથી વ્યક્તિ પોતાની જાતને સક્ષમ બનાવી શકશે.
