અદાણી ફાઉન્ડેશન દ્વારા અબડાસા તાલુકામાં જાહેર જનતા સહિત ટ્રક ડ્રાઈવરો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઘીપુરમ ખાતે સૌ પ્રથમવાર ટ્રક ડ્રાઈવરનું ખાસ “ હેલ્થ ચેકઅપ” કરવામાં આવ્યું હતું. જેમાં નિદાન અને સારવાર સહિત નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં સ્ત્રીઓ અને બાળકો સહિત જનરલ આરોગ્ય માટેના નિષ્ણાત તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી.
“પહેલું સુખ તે જાતે નર્યા “નું સૂત્ર સાર્થક કરતા અબડાસા વિસ્તારમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલ અને અદાણી સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કેમ્પમાં સાત ગામોના લોકોએ લાભ લીધો હતો. બેર મોટી, જાડવા, ગોલાય, પીપર, અકરી મોટી, થૂમડી અને વાલાવારી વાંઢ ગામે યોજાયેલા નિ:શુલ્ક આરોગ્ય કેમ્પમાં આરોગ્યની તપાસ બાદ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યાં હતા.
કચ્છ જિલ્લા ટ્રક-ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ નવઘણભાઈ આહીરની શુભેચ્છાઓથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેમ્પના લાભાર્થી બનેલા ગામોના સરપંચો તેમજ અગ્રણીઓએ અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવતા સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. એટલું જ નહીં, અવારનવાર આવા કાર્યક્રમો જારી રાખવા વિનંતી પણ કરી હતી.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું ઝીરો એક્સીડેન્ટનું સપનું સાકાર કરવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવે છે. વર્તમાન ટ્રાન્ઝિટ સિસ્ટમે મુસાફરીનો સમય ઓછો કર્યો હોવા છતાં, તેણે જાનહાનિનું જોખમ પણ વધાર્યું છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ શૂન્ય કરવા માટે ડ્રાઈવર્સ માટે ખાસ હેલ્થ ચેકઅપ પ્રોજેકટ ચલાવવામાં આવે છે. આ આરોગ્ય કેમ્પમાં 1110 થી વધુ દર્દીઓ તથા 150 થી વધુ ડ્રાઈવરોને તપાસ બાદ હેલ્થકાર્ડ પણ આપવામાં આવ્યા હતા. જેનું સમયાંતરે ફોલોઅપ પણ લેવામાં આવશે.
ભારતમાં દર વર્ષે 80,000 થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, જે સમગ્ર વિશ્વમાં થતા મૃત્યુના 13% હિસ્સો છે. સામાન્ય રીતે, ટ્રક અને ટુ-વ્હીલરને સંડોવતા અથડામણમાં જાનહાનિ થાય છે. એક રિસર્ચ પ્રમાણે ટ્રક ચાલકો ક્ષતિગ્રસ્ત દ્રષ્ટિને કારણે ચશ્મા વિના વાહન ચલાવે છે, જે અકસ્માતનું કારણ બની શકે છે. આ કેમ્પમાં નેત્ર નિદાન સહિત તમામ રોગોનું ચેક-અપ કરી ડ્રાઈવરોને સ્વાસ્થ્ય સંભાળ અંગે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.
