સમગ્ર વિશ્વમાં ૧૫મી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ(ઇન્ટરનેશનલ ચાઈલ્ડ કેન્સર ડે આઈસીસીડી) મનાવવામાં આવે છે. આરોગ્ય સંસ્થાના ડેટા મુજબ ૩ થી ૫ ટકા કેન્સર બાળકોમાં જોવા મળે છે. ભારતમાં અંદાજે ૫૦ હજારથી વધુ બાળકોમાં કેન્સરનું અનુમાન હોવાથી તેની અસર,ઈલાજ અંગે પરિવારોમાં જાગૃતિ લાવવા આ દિવસ મનાવવામાં આવે છે.
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળ વિભાગના હેડ અને પ્રોફે. ડો.રેખાબેન થડાની અને આસિ.પ્રોફે.ડો.યસ્વી દતાણીએ બાળ કેન્સર અંગે જણાવ્યું કે,આમ તો બાળકોમાં કેન્સર થવાનું સ્પષ્ટ કારણ જાણવા મળતું નથી. વ્યસ્કોમાં જે રીતે જીવનશૈલી કેન્સરનું મુખ્ય કારણ છે,એમ બાળકોમાં જોવા નથી મળતું જો કે ચાઈલ્ડમાં આનુવાંશિક કારણ જવાબદાર હોય છે.
બાળકોમાં સીમિત પ્રકારના જ કેન્સર જોવા મળે છે,જેમાં બ્લડ કેન્સર અને બ્રેઈન કેન્સરનું પ્રમાણ વધુ હોય છે.તબીબોના જણાવ્યા મુજબ દરેક રોગની માફક કેન્સરમાં પણ પરિવાર જાગૃત રહે તો તેના લક્ષણોને આધારે આગોતરો અંદાઝ આવી શકે છે.
બાળ કેન્સરના લક્ષણો:
- અચાનક વજન ઘટવું.
- માથું દુખવું અને ખેંચ આવવી
- લોહીમાં રક્તકણ ઘટી જવા
- હાડકાનો અને સાંધાનો દુખાવો
- પીઠ ને પગમાં સોજો આવવો
- શરીર અને ગરદનમાં ગાંઠ
- વારંવાર રક્તસ્રાવ થવો
- ત્વચા ઉપર ઊંડા અને લાલ ડાઘ દેખાવા વિગેરે લક્ષણો જોવા મળે છે.
તબીબોના જણાવ્યા મુજબ જો વડીલો આ લક્ષણોને આધારે સાવધ રહે અને સમયસર નિષ્ણાત તબીબો પાસે પહોંચી જાય તો ઈલાજ સુનિશ્ચિત કરી શકાય.
