ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદમાં 12મી ફેબ્રુઆરીએ PGP વર્ગ માટે ફાઇનલ પ્લેસમેન્ટ પ્રક્રિયાના ત્રીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કાનું પ્લેસમેન્ટ પૂર્ણ થતાં PGP બેચની પ્લેસમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્રીજા તબક્કામાં આઠ જૂથો આવ્યા હતા. જેમાં BFSI, એનાલિટિક્સ અને IT કન્સલ્ટિંગ, કોર મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીનટેક, સરકારી કંપનીઓ, એન્ટરપ્રાઈઝ ટેક, ફિનટેક અને લોજિસ્ટિક્સનો સહિતની કંપનીઓ હતી.
ત્રીજા તબક્કાની પ્લેસમેન્ટ પ્રક્રિયા થઈ
IIMએ પ્લેસમેન્ટના અધ્યક્ષ પ્રો. અંકુર સિન્હાએ જણાવ્યું હતું કે, જોબ માર્કેટ માટે મુશ્કેલ વર્ષમાં પણ, IIMAના પ્લેસમેન્ટ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કંપનીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે પણ અમે કંપનીઓની ભાગીદારીમાં વધારો જોયો અને નોકરીની ભૂમિકાઓમાં પણ વિવિધતા વધુ હતી. ત્રણ તબક્કાના દિવસોમાં પ્લેસમેન્ટ પ્રક્રિયાની સફળતાપૂર્વક પૂર્ણતા એ સંસ્થામાં ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણનો અનુભવ અને મજબૂત પ્લેસમેન્ટ પ્રક્રિયાનો પુરાવો છે. જે ભરતી કરનારાઓ અને વિદ્યાર્થીઓ બંનેને પર્યાપ્ત સુગમતા પ્રદાન કરે છે. પ્લેસમેન્ટ આ વર્ષ સૂચવે છે કે, ઉચ્ચ-ગુણવત્તાની પ્રતિભાની માગ સાનુકૂળ તેમજ પડકારજનક નોકરીના વાતાવરણમાં સતત વધી રહી છે. તે દાયકાઓથી અમારા ભરતીકારો સાથે અમે જે સંબંધો બાંધ્યા છે તેની મજબૂતાઈ અને તેઓનો વિશ્વાસ પણ દર્શાવે છે.
BFSI ગ્રુપે બીજા ક્રમની સૌથી વધુ જોબ ઓફર આપી
સિલ્વર કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ, કોર મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જૂથમાં સૌથી વધુ જોબ ઓફર કરવામાં આવી છે. BFSI ગ્રુપે કોર મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી બીજા ક્રમની સૌથી વધુ જોબ ઓફર આપી છે. ટાટા સ્ટીલ, એનપીસીઆઈ, જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ, ન્યુજેન સોફ્ટવેર ટેક લિમિટેડ, જાવિસ, બીએનપી પરિબાસ, એક્સિસ બેંક, એસ એન્ડ પી ગ્લોબલ વગેરે ભારતીય કંપનીઓ પણ પ્લેસમેન્ટમાં હતી. આ વર્ષે વારી અને જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ સહિતની કંપનીઓએ પ્રથમ વખત પણ ભાગ લીધો હતો.
