ભુજમાં મશાલ પ્રગટાવી સ્પોર્ટસ મીટનો દબદબાભેર આરંભ કરાયો

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આયોજિત ત્રિદિવસીય સ્પોર્ટસ મીટનું શુક્રવારે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતેથી ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં મશાલ પ્રજ્જવલીત કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.ઓપનીંગ સેરેમનીમાં ખેલાડીઓ દ્વારા પરેડ ડ્રીલ કરવામાં આવી તેમજ માધાપરની વીરાંગનાઓનું સન્માન કર્યા બાદ પ્રજાલક્ષી યોજનાઓને રજુ કરતા વિવિધ ટેબ્લોનું પ્રદર્શન કરી પોલીસ હેડ ક્વાર્ટર્સ સહીત અલગઅલગ પોલીસ મથક વિસ્તારમાં રમતો રમાડવામાં આવી હતી.સ્પોર્ટસ મીટ અંતર્ગત આજે સરહદી ગામ કુરન ખાતે આજે અખંડ ભારત પોલીસ મિત્ર સંમેલન યોજાશે.

સરકારી વિભાગો વચ્ચે સારૂ સંકલન કેળવાય તે હેતુથી તેમજ લોકો અને આંતરએજન્સીઓ વચ્ચે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે હેતુથી પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટસ મીટમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવતા અલગ-અલગ પ્રજાલક્ષી યોજનાઓને રજુ કરતા વિવિધ ટેબ્લો જેવા કે, સી-ટીમ, અભય સવારી, બી.ડી.ડી.એસ,વજ્ર, હાઈવે પેટ્રોલીંગ ઈન્ટર સેપ્ટર, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ, નાર્કોટીક્સ અને ડ્રગ્સ, નેત્રમ, સાયબર ક્રાઈમ, ઈ-એફ.આઈ.આર, ગૌ રક્ષા, વ્યાજખોરીને લગતા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા જે ટેબ્લોનું પ્રદર્શન સમગ્ર ભુજ ટાઉનમાં પ્રજાની જાગૃતિ અર્થે ફેરવવામાં આવ્યા બાદમાં સ્વામીનારાયણ કન્યા વિધામંદિરની વિદ્યાર્થિનીઓ દ્વારા પાઈપ-બેન્ડ ડ્રીલ રજુ કરવામાં આવી હતી.

ત્યારબાદ રમતાવીરોને શપથ લેવડાવી 100 મીટર દોડ,200 મીટર દોડ,400 મીટર દોડ, ચક્ર ફેંક, ગોળા ફેંક, બરછી ફેંક, લાંબી કુદ, ઊંચી કુદ, વોલીબોલ, ક્રીકેટ, કબડ્ડી, તિરંદાજી જેવી રમતો રમાડવામાં આવી હતી.આ ઉપરાંત બોર્ડર-કોસ્ટલ વિસ્તારના મુંદરા, મુંદરા મરીન, માંડવી, માંડવી મરીન, કોઠારા, જખો, જખૌ મરીન, વાયોર, નારાયણ સરોવર, દયાપર, નરા તથા ખાવડા માં ગ્રામજનો, રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ અને પોલીસ વચ્ચે કબડ્ડી તથા વોલીબોલ રમતો રમાડવામાં આવી હતી.રમતોમાં વિજેતા થયેલ ખેલાડીઓને ટ્રોફી તથા સ્મૃતિ ચિન્હો એનાયત કરવામાં આવ્યા હતા.

ત્રિદિવસીય આયોજન દરમિયાન આજે બીજા દિવસે પોલીસ હેડ કવાર્ટર ભુજ ખાતે સરકારની વિવિધ સંસ્થાઓ સાથે વોલીબોલની તથા ક્રીકેટની મેચો રમાડવામાં આવશે.તેમજ બોર્ડર-કોસ્ટલ વિસ્તારના લોકો સાથેના સીધા સંવાદ સાથે તેઓની જાગૃતતા વધે તથા પોલીસ સાથેનો વિશ્વાસ કેળવાય તે હેતુથી કોમ્યુનીટી પોલીસી અંતર્ગત અખંડ ભારત પોલીસ મિત્રનુ સંમેલન બોર્ડરના છેલ્લા ગામ કુરન ખાતે યોજાશે.આ પ્રસંગે આઈજી જે.આર.મોથલીયા,કલેકટર અમિત અરોરા,એસપી મહેન્દ્ર બગડીયા,સાગર બાગમાર,બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા,પાટણ એસપી રવિન્દ્ર પટેલ સહીત વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર હાજર રહ્યા હતા.

હેડ ક્વાર્ટરની રમતોમાં વિજેતા ટીમો

  • 100 મીટર દોડ – કિંજલબેન ખોખરીયા તથા સનોજ માર્ડી
  • 200 મીટર દોડ – ક્રિષ્નાબેન સોલંકી તથા ભુપન બોરહ (આર્મી)
  • 400 મીટર દોડ – મંગીશ કામલે (આર્મી)
  • લાંબી કુદ – કાજલબેન તલાવીયા,નારાયણ સરોવર
  • ચક્ર ફેંક – વિજયભાઈ દેસાઈ,પાટણ તથા કિંજલબેન,ગાંધીધામ
  • ગોળા ફેંક – માધાપર પીઆઇ એ.જી.પરમાર તથા ગાયત્રીબેન,બી ડીવી.
  • બરછી ફેંક – કૌશિકકુમાર સોલંકી,જખો તથા કિંજલબેન દેસાઈ,વાયોર
  • વોલીબોલ – પોલીસ હેડ કવાટર,ભુજ ટીમ
  • ક્રિકેટ – પશ્વિમ કચ્છ જીલ્લા પોલીસ ટીમ
  • કબડ્ડી – પશ્વિમ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ ટીમ

Leave a comment