ઇંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી આખી સિરીઝ રમી શકશે નહીં, જ્યારે શ્રેયસ પણ ઈજાને કારણે છેલ્લી 3 ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. શનિવારે BCCIની સિલેક્શન સમિતિએ ટીમની જાહેરાત કરી હતી.
કોહલીએ શુક્રવારે જ BCCIને પોતાનો બ્રેક લંબાવવાની માગ કરી હતી. જસપ્રીત બુમરાહ આખી સિરીઝ રમશે. ફાસ્ટ બોલર આવેશ ખાનની જગ્યાએ આકાશ દીપને ટીમમાં સામેલ કર્યો છે.
કોહલીએ BCCI પાસે બ્રેક લંબાવવાની માગ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે BCCI સિલેક્શન કમિટીએ છેલ્લી 3 ટેસ્ટ માટે ટીમની પસંદગી કરવા માટે બેઠક યોજી હતી. સમિતિની ઓનલાઈન મિટિંગ પહેલાં જ વિરાટે BCCIને પોતાના વિશે જાણ કરી હતી. એ બાદ તેને સિરીઝમાંથી બહાર રાખ્યો હતો. વિરાટ તેની કારકિર્દીમાં પ્રથમ વખત કોઈપણ હોમ ટેસ્ટ સિરીઝની કોઈ મેચ નહીં રમે.
જાડેજા અને રાહુલ ફરી પરત ફર્યા
બીજી ટેસ્ટમાંથી બહાર થયેલા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમમાં પરત ફર્યા છે. બંને પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ બીજી મેચ રમી શક્યા નહોતા, જોકે BCCIએ હજુ પણ કહ્યું હતું કે જો તે ફિટ લાગશે તો જ તે ત્રીજી ટેસ્ટ રમી શકશે.
શ્રેયસ પણ સિરીઝમાંથી બહાર
શ્રેયસ અય્યરે બીજી ટેસ્ટમાં કમરના દુખાવાની ફરિયાદ કરી હતી. તેણે BCCIને તેની ઈજા વિશે જાણ કરી હતી, ત્યારે હવે તેને છેલ્લી 3 ટેસ્ટમાંથી પણ બહાર રાખ્યો છે. શ્રેયસ પ્રથમ બે ટેસ્ટમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 4 ઇનિંગ્સમાં એકપણ ફિફ્ટી ફટકારી શક્યો નહોતો.
બુમરાહ આખી સિરીઝ રમશે, સિરાજ પણ ટીમમાં પરત ફર્યો
પ્રથમ બે ટેસ્ટમાં 15 વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આખી સિરીઝ રમશે. બીજી ટેસ્ટ ન રમી શકનાર મોહમ્મદ સિરાજ ટીમમાં પરત ફર્યો. આકાશ દીપને પણ ટીમમાં સામેલ કર્યો હતો, જ્યારે મધ્યપ્રદેશના આવેશ ખાનને રણજી ટ્રોફી રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો છે.
પાટીદાર અને સરફરાઝ ટીમમાં યથાવત્
બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદાર અને સરફરાઝ ખાન પણ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. શ્રેયસ અને કોહલી એક્શનની બહાર હોવાથી હવે રજત અને સરફરાઝમાંથી એકને ત્રીજી ટેસ્ટમાં બીજી તક મળી શકે છે. જો ટીમ ઈન્ડિયા બેમાંથી એક પેસરને મેદાનમાં ઉતારવાનું નક્કી કરે છે તો રજત અને સરફરાઝ બંને ત્રીજી ટેસ્ટ રમી શકે છે.
છેલ્લી 3 ટેસ્ટ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ*, રજત પાટીદાર, સરફરાઝ ખાન, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા*, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આકાશ દીપ.
*રાહુલ અને જાડેજા ફિટ જાહેર થયા બાદ જ મેચ રમી શકશે.
ટેસ્ટ શ્રેણીમાં ટીમ 1-1થી બરાબરી પર
5 મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર છે. હૈદરાબાદમાં ઇંગ્લેન્ડે પ્રથમ મેચ 28 રને જીતી હતી, જ્યારે વિશાખાપટનમમાં રમાયેલી બીજી મેચમાં ભારતે 106 રને જીત મેળવી હતી. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે, જ્યારે ચોથી ટેસ્ટ 23મી ફેબ્રુઆરીથી રાંચીમાં અને પાંચમી ટેસ્ટ 7મી માર્ચથી ધર્મશાલામાં રમાશે.
