~ અંગદાન નવજીવન આપે તેમ મેડિકલ અભ્યાસ અને સંશોધન માટે દેહદાન ભાવિ પેઢી માટે આશીર્વાદ રૂપ
દેહદાન દ્વારા આવેલા શરીરનો ઉપયોગ મેડિકલ શિક્ષણ અને સંશોધન માટે થતો હોવાથી સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓને આગળ આવવાનો અનુરોધ અદાણી મેડિકલ કોલેજ અને તેના એનાટોમી વિભાગ મારફતે કરવામાં આવ્યો હતો.
અત્રે ભૂજ ખાતે રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો ભુજના ઉપક્રમે દેહદાન અંગે યોજાયેલા પરિસંવાદમાં મેડિકલ કોલેજના આસિ.ડીન અને એનાટોમી વિભાગના હેડ પ્રોફે.ડો.સાગ્નિક રોયે મુખ્ય વક્તા પદેથી જણાવ્યું હતું કે,જેમ જરૂરિયાતમંદ દર્દીને નવજીવન માટે અંગદાન ઉપયોગી છે, તેમ દેહદાન મેડિકલ સંશોધન દ્વારા ભાવિ પેઢી માટે આશીર્વાદ રૂપ પુરવાર થાય છે.
તેમણે દેહદાન સ્વીકાર અંગે મૃત્યુ પ્રમાણપત્ર,ફોટો અને નિકટના સ્વજનની સહમતી સહિતની આધારભૂત જરૂરિયાતની વિસ્તૃત સમાજ આપી કહ્યું કે,મેડિકલ કોલેજ દેહદાન રૂપે આવેલા નશ્વરદેહના પૂરેપૂરા મલાજા સાથે જ સંશોધન અને શિક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. તેમણે દેહદાનના સ્વીકાર માટે નિયત નિયમો અંગે પણ સમાજ આપી હતી.
આ પ્રસંગે કોલેજના એનાટોમી વિભાગના પોસ્ટ ગ્રેજ્યુટ સ્ટુડન્ટ ડો.પ્રિતેશ રાવતે પણ એનાટોમી વિભાગની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો.આ પરિસંવાદમાં લાયન્સ ક્લબના સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રારંભમાં ક્લબના પ્રમુખ હસ્તિન આચાર્યએ મહેમાનનું સ્વાગત કરી પ્રસંગ પરિચય આપ્યો હતો.
રોટરીના સભ્ય મિલિન્દ વૈદ્યે ચર્ચામાં જોડાતા કહ્યું કે,રોટરી આ માનવીય અભિગમલક્ષી કાર્યમાં સાથે છે એટલુંજ નહીં,અન્ય સંસ્થા સાથે સહયોગ કરી આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રવૃત્ત બનવા ખાતરી આપી હતી.તેમણે આ પ્રવૃત્તિમાં આવતી કેટલીક મુશ્કેલી અંગે પણ સ્પષ્ટતા મેળવી હતી. લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ ધીરેન્દ્ર રાવલે ક્લબની દેહદનની પ્રવૃત્તિનો ચિતાર આપી કોલેજને મદદ થવા જણાવ્યું હતું.
આ સંવાદમાં ક્લબના પ્રાર્થન અંજારિયા,વિમલ મહેતા, જયરાજસિંહ જાડેજા, જ્યોતિર્ધર ધોળકિયા,દિનેશ રામાનુજ,સંજય પૂજારા અને પૂર્વ જજ વિનાયકાંત માંડલિયા જોડાયા હતા.પૂર્વ પ્રમુખ ભરત જોશી અને ક્લબના આસિ.ગવર્નર ભરત મહેશ્વરીએ મહેમાનોનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કર્યું હતું.
