વિવાદથી ઘેરાયેલી પેટીએમ પેમેન્ટસ બેન્કનું લાયસન્સ રદ કરવા રિઝર્વ બેન્ક વિચારી રહી હોવાનું બેન્કિંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલમાં તો રિઝર્વ બેન્ક આવો જ ઈરાદો ધરાવે છે. નાણાં પ્રધાને આ મુદ્દે દરમિયાનગીરી કરવાનું નકારી કાઢ્યું છે અને રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરવા પેટીએમ બેન્કને સૂચના આપી છે.
૧૫મી માર્ચ સુધીમાં પ્રક્રિયા હેઠળના દરેક વેપાર વ્યવહાર પૂરા કરી લેવા રિઝર્વ બેન્કે પેટીએમ બેન્કને જણાવી દીધું છે. વ્યવહાર પૂરા થઈ જાય પછી બેન્કનું લાયસન્સ રદ કરી દેવાશે. આ ઉપરાંત બેન્કને ત્યારપછી કોઈપણ નાણાંકીય વ્યવહાર કરવા દેવાશે નહીં.
નિયમોના પાલનમાં સતત નિષ્ફળતાને જોતા લાયસન્સ રદ કરવાનું પગલું જ તર્કબદ્ધ જણાય છે એમ રિઝર્વ બેન્ક માની રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. નો યોર કલાયન્ટ (કેવાયસી) સહિતના અનેક નિયમોનો બેન્ક દ્વારા સતત ભંગ થતો હોવાનું જણાતા રિઝર્વ બેન્ક દ્વાર બેન્ક સામે આકરાં પગલાં લેવાયા છે.
અગાઉ ૨૦૨૨ના માર્ચમાં પણ રિઝર્વ બેન્કે પેટીએમને નવા ગ્રાહકો લેવા સામે મનાઈ ફરમાવી હતી.
ગયા સપ્તાહમાં રિઝર્વ બેન્કે જારી કરેલા એક આદેશમાં પેટીએમ પેમેન્ટસ બેન્કને માર્ચથી નવી ડિપોઝિટ સ્વીકારવા સામે તથા તેના ડિજિટલ વોલેટસ અટકાવી દેવા જણાવ્યું હતું.
લાયસન્સ રદ કરવાનું પગલું અથવા બેન્કની બોર્ડને બરખાસ્ત કરવા બાબત પણ વિચારાઈ રહ્યું છે. જો બોર્ડને બરખાસ્ત કરાશે તો વહીવટકારની નિમણૂંક થશે.
દરમિયાન સમશ્યાના ઉકેલ માટે પેટીએમ બેન્કના સીઈઓ વિજય શેખર શર્મા નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને મળ્યા હોવાના અહેવાલો હતા. જો કે નાણાં પ્રધાને આ મુદ્દે રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા તેમને સલાહ આપી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું.
