ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ સમાપ્ત થઇ ગયો છે. દિવસના અંત સુધી 399 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતારેલી ઇંગ્લેન્ડની ટીમે 1 વિકેટ ગુમાવીને 67 રન બનાવી લીધા હતા. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમે રેહાન અહેમદને નાઈટ વોચમેન તરીકે બેટિંગ કરવા ત્રીજા નંબરે મોકલ્યો હતો અને તે વિકેટ બચાવવામાં સફળ પણ રહ્યો હતો.
ગિલની શાનદાર સદી
ત્રીજા દિવસની શરૂઆત ભારતની બીજી ઇનિંગ્સ સાથે થઈ, જ્યારે ભારતે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવ્યા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ 17 બોલમાં 15 રન અને કેપ્ટન રોહિત શર્મા 19 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યા હતા. ત્રીજો દિવસ ભારત માટે કંઈ ખાસ નહોતો કારણ કે તેણે ત્રણેય સત્રો રમ્યા વિના તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર ટોમ હાર્ટલીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે ભારત માટે શુભમન ગિલે સદી ફટકારી હતી અને 147 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
દિવસના ત્રીજા સત્રમાં ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 255ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. બંને ઇનિંગમાં બેટિંગ કર્યા બાદ ભારતે ઇંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિવસ સમાપ્ત થયા સુધી ઇંગ્લેન્ડ માટે ઓપનિંગ કરવા ઉતરેલ ઝેક ક્રોલી 50 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ૨૯ રન જયારે રેહાન અહેમદ ૮ બોલમાં 2 ચોગ્ગાની મદદથી 9 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ દરમિયાન ભારત માટે રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.
ડકેટે 6 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા
ઇંગ્લેન્ડની ટીમને 399 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે સારી શરૂઆત મળી હતી. ઓપનિંગમાં આવેલા ઝેક ક્રોલી અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. બંનેની આ ભાગીદારી અશ્વિને 11મી ઓવરમાં ડકેટની વિકેટ લઈને તોડી હતી. આક્રમક અંદાજમાં બેટિંગ કરતા ડકેટે 27 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા.
