અદાણી ફાઉન્ડેશન અને અદાણી ટ્રાન્સમિશનના સંયુક્ત ઉપક્રમે મુંદ્રાની આસપાસના લોકોના લાભાર્થે જળસંચય કાર્યક્રમનો શુભારંભ

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ટ્રાન્સમિશનના સંયુક્ત ઉપક્રમે મુંદ્રાની આસપાસના લોકોના લાભાર્થે જળસંચય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. તળાવને જળદેવનું મંદિર સમજી તેમાં વધુને વધુ જળસંચય થાય તે હેતુથી તળાવ ઉંડા કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મોટી ભાડઈ ગામના તળાવ પર જળદેવતાની પૂજા-અર્ચના કરીને જળસંચય યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચો અને અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ જેવા શુષ્ક વિસ્તારમાં જન સુખાકારીનો સુમાર્ગ એટલે જળસંચય અભિયાન. આ જળસંચયથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો થાય છે. તળાવ ઊંડું કરવાથી તેની અંદર પ્રમાણમાં વધુ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાય છે. તેનાથી આસપાસની જમીનમાં પણ પાણીના તળ ઉંચા આવે છે. વોટર રિચાર્જ થવાથી ખેડૂતોને વધુ પ્રમાણમાં પિયત મળતા તેઓ મબલખ પાક ઉતારી શકે છે. વળી ખોદકામથી તળાવ અને ચેકડેમમાંથી નીકળતી માટી ખેડૂતો માટે ખાતરની ગરજ સારે છે. તેનાથી જમીન વધુ ઉપજાઉ અને ફળદ્રુપ બને છે.

જળસંચય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવાની સાથે પાણીના સ્ત્રોતની જાળવણી, સાફ-સફાઇ અને જળસ્ત્રોતોનું સમારકામ કરવાનો છે. જળસંચયથી સિંચાઇ કે પશુ જાળવણી માટે પુરતા પાણીનો પુરવઠો મળી રહેશે, જેના પરિણામો કચ્છ માટે વરદાનરૂપ બની શકે છે. પિયતનો સ્ત્રોત હોય તો ખેડૂતો વિવિધ ધાન્ય વર્ગનું વાવેતર કરી નફાકારક પાક લેવા શક્ષમ બને છે. વળી ખેડૂતો શિયાળુ, ઉનાળું અને ચોમાસું એમ ત્રણેય સિઝનના પાકો લઈ શકે છે. 

આ પ્રસંગે સરપંચ સરોજબા જાડેજા દ્વારા અદાણીના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ઉપસ્થિત અગ્રણીઓએ આ ઉમદા કાર્યને બિરદાવી ફાઉન્ડેશનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારત દેશમાં દર વર્ષે વરસાદ અને ભેજ દ્વારા 4 લાખ કરોડ ક્યુબિક મીટર્સ પાણી મળે છે. તેમાંથી માત્ર ચોથા ભાગનું પાણી જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. જો દેશમાં જળસંચય વધારીને ઓછામાં ઓછા 2 લાખ કરોડ ક્યુબિક મીટર્સ પાણીનો જથ્થા સંગ્રહ કરવામાં આવે તો જળસંચય ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય છે.

Leave a comment