અદાણી ફાઉન્ડેશન મુંદ્રા સામુદાયીક આરોગ્ય માટે સક્રિયપણે કાર્યરત છે. તાજેતરમાં અદાણી કચ્છ કોપર લીમીટેડ, અદાણી હોસ્પિટલ અને બારોઈ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્ત્રી આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ મહિલાઓના આરોગ્ય સુધારણા માટે માર્ગદર્શન અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સગર્ભાઓને પ્રોટીન પાવડર તથા કેલેન્ડરનું વિતરણ અને સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુંદ્રા આસપાસની 130થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
સામાન્ય રીતે ગ્રામીણ મહિલાઓ પોતાના અંગત સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેતી નથી, જેના કારણે અનેક બીમારીનો શિકાર બનતી હોય છે. એવી મહિલાઓ સ્વયંના સ્વાસ્થ્ય અંગે જાગૃત થાય અને તેમની બિમારીઓ અંગે ખુલીને વાત કરી શકે તે માટે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બારોઈ નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સેલર સહિત ડૉ.અક્ષાબેન ખત્રી (ગાયનેક), ડૉ. પૂનમબેન કનોજીયા -અદાણી હોસ્પિટલ તથા કચ્છ કોપર લીમીટેડ અને અદાણી પેટ્રોકેમીકલ્સના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બારોઈ નગરપાલિકાનાં પ્રમુખ રચનાબેન જોષીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે “કોઈપણ મહિલાએ પોતાની જાતને ઓછી આંકવી જોઈએ નહીં. સ્ત્રીઓમાં અસીમ શક્તિ સમાયેલી છે. આવો ઉમદા કાર્યક્રમ આયોજીત કરવા બદલ હું અદાણી ફાઉન્ડેશનની આભારી છું. મુંદ્રા અને આસપાસની જનતાને તેનાથી ખૂબ લાભ મળી રહ્યો છે“.
ડૉ.ખત્રીએ બહેનોને માસીકધર્મ દરમિયાન કાળજી રાખવા જેવી બાબતોની સમજણ આપી હતી. એટલું જ નહી, પ્રથમવાર માસિકધર્મનો અનુભવ કરતી તરૂણીઓને મુંજવતા સવાલોની સમજ આપી હતી. તેનાથી સ્ત્રીઓ ભવિષ્યમાં થનારા સંભિવત રોગ અને જોખમો સામે જાગૃત બની હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અદાણી ફાઉન્ડેશન, અદાણી હોસ્પિટલ, તેમજ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર (ASDC) દ્વારા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સફળ તાલીમાર્થીઓને રચનાબેન તથા પંકતીબેનના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
અદાણી ફાઉન્ડેશન અંતરિયાળ વિસ્તારોની મહિલાઓને ઘરઆંગણે પ્રાથમિક સારવાર સુવિધા મળી રહે તે માટે કાર્યરત છે. અદાણી હોસ્પિટલ આધુનિક સાધનો અને રોગ-નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમાં સાર્થક સેવાઓ આપી રહી છે. માછીમાર વસાહતોમાં મેડિકલ મોબાઈલ વાન તથા દવાખાનાની સુવિધા અપાઈ રહી છે.
