NDA સરકારમાં નેટ અને ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 150%થી પણ ઉપર નો વધારો

જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે 2013-14માં આવકવેરા વિભાગને જે આવક હતી તેની સામે એનડીએ સરકારના 2014 પછીના શાસનમાં અત્યાર સુધી કેટલી આવક વધી તેનો હિસાબ-કિતાબ ટ્વિટર પર શેર કર્યો છે. આવકવેરા વિભાગને નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અને ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં સીધો ફાયદો થયો છે અને તેના કારણે આવકવેરા વિભાગની તિજોરી છલકાઈ ગઈ છે. તો લોકોમાં ટેક્સ ભરવા માટે જાગૃતિ આવી છે અને રિટર્ન ભરનારાની સંખ્યા ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે.

ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ તગડી આવક

કોઈ વ્યક્તિ, સંસ્થા કે કંપની ઈન્કમટેક્સ વિભાગને સીધો ટેક્સ ચૂકવે તેને ડાયરેક્ટ ટેક્સ કહે છે. આ ડાયરેક્ટ ટેક્સની ટોટલ રકમને ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કહે છે. ટૂંકમાં, રિફંડ આપવાનું બાકી હોય અને કુલ રકમ ટેકસ રૂપે ઈન્કમટેક્સ પાસે આવી હોય તેને ગ્રોસ ટેક્સ કહે છે. 2013-14માં ઈન્કમટેક્સ વિભાગને 7,21,604 કરોડ ગ્રોસ ટેક્સની આવક થઈ હતી અને તેની સામે 2022-23માં 19,72,248 કરોડ રૂપિયા ઈન્કમ થઈ હતી. એ હિસાબે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સમાં 173.31% ગ્રોથ થયો હતો.

પહેલાં તો એ જાણીએ કે નેટ ડાયરેક્ટ ટેક્સ શું છે? ડાયરેક્ટ ટેક્સ એ ટેક્સ છે જે વ્યક્તિ અથવા કંપની આવકવેરા વિભાગને સીધો ચૂકવે છે. આ કરમાં આવકવેરો, વાસ્તવિક મિલકત વેરો, વ્યક્તિગત મિલકત વેરો અને અસ્કયામતો પરના કરનો સમાવેશ થાય છે, કરદાતા સરકારને સીધો ચૂકવે છે. આ ટેક્સ ચૂકવ્યા પછી ટીડીએસ અને અન્ય કેસમાં રિફંડ આપવું પડે છે. ઈન્કમટેક્સ વિભાગ રિફંડ આપી દે પછી જે વધે તે નેટ ડાયરેક્ટ ટેક્સ છે.

ઈન્કમટેક્સ વિભાગે જે આંકડા જાહેર કર્યા તેમાં 2013-14માં 6,38,596 કરોડ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયું હતું તેની સામે વર્ષ 2022-23માં 16,63,686 કરોડ રૂપિયા વધારે નેટ ટેક્સ કલેક્શન થયું છે. એટલે દાયકામાં 10,25,090 કરોડ રૂપિયા આવકવેરાને ટેક્સરૂપે મળ્યા છે. એ હિસાબે 160.52% ગ્રોથ થયો છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR એ એક ફોર્મ છે. આ ફોર્મ દ્વારા તમે ભારતની કેન્દ્ર સરકારના આવકવેરા વિભાગને તમારી આવક વિશેની માહિતગાર કરો છો. ITR ફાઈલ કરતા પહેલાં એ જાણવું જરૂરી છે કે તમે આવકની કઈ કેટેગરી સાથે સંબંધ ધરાવો છો. વર્તમાન નિયમો મુજબ, જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે.

જો તમે નોકરી અથવા વ્યવસાય કરી રહ્યા છો, તો ITR ફાઈલ કરવું ફરજિયાત છે. જો તમારી આવક રૂપિયા 2.5 લાખથી ઓછી છે તો તમારી આવક કરપાત્ર નથી, તેમ છતાં રિટર્ન ફાઈલ કરવું સારી બાબત છે. છેલ્લા દાયકામાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં જબરો ઉછાળો આવ્યો છે. 2013-14માં 3.80 કરોડ ભારતીયો રિટર્ન ફાઈલ કરતા હતા તેની સામે 2022-23માં 7.78 કરોડ લોકો રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. આ રીતે રિટર્ન ફાઈલ કરવામાં 104.91% ગ્રોથ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં વ્યક્તિગત કરદાતાઓમાં 87.8 ટકાનો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં ઇન્કમટેક્સ કરદાતાઓની સંખ્યા 1 કરોડને આંબી ગઈ છે. જ્યારે એચયુએફ, ફર્મ અને કંપનીની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. આમ ગુજરાતની 7 કરોડની વસ્તી સામે 1 કરોડ કરદાતાઓ છે. દર સાત લોકોમાંથી એક વ્યક્તિ ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરે છે. કરદાતાઓની સંખ્યા વધારવા માટે આવકવેરા વિભાગ દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટે મોબાઇલ પર આવકવેરા વિભાગ મેસેજ પણ મોકલે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કરદાતાઓની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે જે બતાવે છે કે રાજ્યમાં લોકોની આવકમાં પણ વધારો થયો છે. વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા વર્ષ 2017-18માં 32 લાખ હતી જે વર્ષ 2021-22માં 87 લાખ થઈ છે. જ્યારે પાંચ વર્ષ પહેલાં એટલે કે 2017-18માં એચયુએફ અને પેઢીઓની સંખ્યા 1 લાખ હતી તેમાં વધારો થઇને 5 લાખના આંકડાને પાર કરી ગઇ છે. કોર્પોરેટ કંપની કરદાતાઓની સંખ્યા 51 હજારથી વધીને 1.24 લાખ થઇ ગઇ છે. આમ એક કરોડ કરદાતાએ 2022-23ના નાણાવર્ષમાં રૂ.70.71 હજાર કરોડ ટેકસ ભર્યો છે.

Leave a comment