અદાણી ફાઉન્ડેશન સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓમાં સ્વામીજીની જન્મજયંતિએ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરાયું

અદાણી ફાઉન્ડેશન સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવે છે. તાજેતરમાં યુવા દિનની ઉજવણી પ્રસંગે સ્વામી વિવેકાનંદના વિચારોથી બાળકોને પ્રેરિત કરવા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાટ્યમંચન, ચિત્રસ્પર્ધા, વકૃત્વસ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આત્મવિશ્વાસ વધારતા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો વિશે જાણી બાળકોમાં આનંદ અને ઉત્સાહમાં તરબોળ થઈ ગયા હતા.  

યુવાપેઢીને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓમાં બાળકોને વિવેકાનંદના ઉત્કૃષ્ટ વિચારોથી વાકેફ કરવા વિવિધ ઉપક્રમો યોજવામાં આવ્યા હતા. સ્વામીજીની યાદશક્તિ એવી અદભૂત હતી કે એક વખત તેઓ કોઈ પુસ્તક વાંચી લે તો આખું પુસ્તક તેમને યાદ રહી જતું હતું. ઉત્થાનની પ્રવૃત્તિઓ થકી બાળકોમાં સ્મરણશક્તિ, વકૃત્વકળા અને રચનાત્મકતા વિકસે તેવી પ્વવૃત્તિઓ કરવામાં આવી હતી.

ઉત્થાન અંતર્ગત ચાલતી દરેક શાળામાં વિવેકાનંદના જીવન આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી 10,000 થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ સ્વામીજીના જીવન ચરિત્ર પરથી નાટકો તૈયાર કરી તેનું મંચન કર્યુ હતું. તેઓએ દર્શકોમાં સ્વામીજીની આગવી છાપ ઉભી કરવાની સાથે ઉર્જાત્મક વાતાવરણ સર્જ્યુ હતું.

કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ સ્વામીજી વિશે અલભ્ય માહિતી એકત્રિત કરી વકૃત્વકળાનું પ્રદર્શન કર્યુ હતું. તો અમુક શાળાના બાળકો વિવેકાનંદની શિકાગોની ધર્મસંસદનું ઐતિહાસિક ભાષણ સાંભળી મંત્રમુગ્ધ બન્યા હતા. વળી કેટલીક શાળાના બાળકોએ તેમના ચરિત્રને ચિત્રો અને સૂત્રો દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય રત્ન એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિએ આયોજીત કાર્યક્રમોમાં માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં પરંતુ શિક્ષકગણે પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્થાનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.  અદાણી ફાઉન્ડેશન માને છે કે સારા શિક્ષણ થકી જ એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ સંભવ છે. ઉત્થાન દ્વારા તે શિક્ષણને જીવંત ઉર્જાવાન અને સતત કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે.

શિક્ષણ ક્ષેત્રે ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશને જુલાઈ 2018માં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગથી પ્રારંભ કર્યો હતો. ‘ઉત્થાન’ પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા તાલુકાની 17 સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવી હતી. હાલ દેશભરના 5 રાજ્યોની 250થી વધુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 37,000થી વધુ બાળકો ઉત્થાન અંતર્ગત જીવનને નવી દિશા આપી રહ્યા છે.   

Leave a comment