લોકસભા ચૂંટણી પહેલાં વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસમાંથી એકસાથે 1500 કાર્યકરો આજે ભાજપમાં જોડાઇ રહ્યા છે. બસોમાં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર જવા રવાના થયા છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદાર અને ભાજપના કામથી ખુશ થઈ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે. તેમજ અયોધ્યામાં બની રહેલા રામમંદિરના કામથી પ્રભાવિત થઈ કોંગ્રેસને રામ રામ કહ્યા છે.
સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી રહી છે
ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાવાનું મૂળ કારણ એ છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેથી સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી રહી છે. એ લહેરમાં અમે બધા સમર્પિત થવા જઈ રહ્યા છીએ અને જોડાવવા જઈ રહ્યા છીએ. પ્રભુ શ્રીરામનું મંદિર બનવા જઈ રહ્યું છે. એનાથી પ્રભાવિત થઈને કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ભગવો ધારણ કરવા જઈ રહ્યા છે.
સનાતન ધર્મની જય જયકાર કરવા કોંગ્રેસ છોડી
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ભાદરવા જિલ્લા પંચાયતના 500થી વધુ કાર્યકરો વાંકાનેર, સાંકરદા અને દોડકા તાલુકા પંચાયતના કાર્યકરો મળીને 1500થી વધુ કોંગ્રેસના કાર્યકરો આજે ભાજપમાં જોડાશે. પીલોલ જિલ્લા પંચાયત બેઠક પર હારેલા કોંગ્રેસના બળવંતસિંહ પરમાર પણ મારી સાથે ભાજપમાં જોડાઇ રહ્યા છે. અને સનાતન ધર્મનો જય જયકાર કરવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇશું.
કોંગ્રેસના નેતાઓ ચિંતિત થઈ ગયા
લોકસભા ચૂંટણીની પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડતા કોંગ્રેસના નેતાઓ ચિંતિત થઈ ગયા છે. જોકે, ભાજપને વડોદરા જિલ્લામાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી સુધી પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પ્રવૃત્તિ ચાલતી રહેશે તેવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
