પ્રખર ચતુર્વેદીએ 18 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ

~ કર્ણાટક તરફથી પ્રખર ચતુર્વેદીએ 63ની સ્ટ્રાઈક રેટથી શાનદાર બેટિંગ કરી હતી

ગઈકાલે કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચ કર્ણાટક અને મુંબઈની ટીમ વચ્ચે રમાઈ હતી. કર્ણાટકના 18 વર્ષીય પ્રખર ચતુર્વેદીએ મુંબઈ સામે ઈતિહાસ રચી દીધો હતો. તેણે કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ મેચમાં મુંબઈ સામે 404 રનની અણનમ ઇનિંગ રમી હતી. પ્રખરે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહનો 24 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ સાથે તે કૂચ બિહાર ટ્રોફી ફાઈનલના ઈતિહાસમાં 400 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

કર્ણાટકે 8 વિકેટે 890 રન બનાવ્યા

કર્ણાટકના ઓપનર પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફી ફાઈનલમાં મુંબઈ સામે 638 બોલમાં 404 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 46 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે કર્ણાટકે 8 વિકેટે 890 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 380 રન જ બનાવી શકી અને મેચ ડ્રો રહી હતી.

કૂચ બિહાર ટ્રોફી ફાઈનલમાં આ પહેલા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે હતો. યુવરાજ સિંહે વર્ષ 2000માં રમાયેલી કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ મેચમાં 358 રનની ઇનિંગ રમી હતી. પરંતુ હવે પ્રખરે તેની 404 રનની અણનમ ઇનિંગ સાથે યુવરાજને પાછળ છોડી દીધો છે.

Leave a comment