સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, એટલે કે શુક્રવારના રોજ શેરબજારે ઓલટાઇમ હાઇ પર રહ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 72,720 અને નિફ્ટી 21,928ના સ્તરે પહોંચી ગયા હતા. હાલમાં સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટના ઉછાળા પછી ઓલટાઇમ હાઇની નજીક ટ્રેડ થયો હતો.
માર્કેટમાં આ વધારો IT સેક્ટરમાં મજબૂત ખરીદીને કારણે થયો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 5%થી વધુના વધારા સાથે ટ્રેડ થયો હતો છે. FY24નાં Q3 પરિણામો પછી લગભગ 8% વધીને ઇન્ફોસિસના શેર રૂ. 1,610ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે TCS 4% વધીને 3890ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. બેંક શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી.
બજારવૃદ્ધિ માટે 3 કારણ
TCS અને ઈન્ફોસિસના ડિસેમ્બર ક્વાર્ટરનાં પરિણામો બાદ મોટા ભાગના આઇટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
ડિસેમ્બર ક્વાર્ટરનાં મજબૂત પરિણામોની અપેક્ષા સાથે બજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું છે.
યુએસ ફેડ અને આરબીઆઈ 2024ના પ્રથમ છ મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે, જે બજાર માટે પોઝિટિવ છે.
ઈન્ફોસિસનો નફો 7.3% ઘટ્યો, TCSનો નફો 2% વધ્યો
IT કંપની Tata Consultancy Services (TCS) અને ઇન્ફોસિસે ગઈકાલે એટલે કે 11 જાન્યુઆરીના રોજ Q3FY24 એટલે કે નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યા હતા. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો રૂ. 11,058 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે લગભગ 2% વધુ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 10,846 કરોડ હતો.
જ્યારે ઈન્ફોસિસનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7.3% ઘટીને રૂ. 6,106 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ઈન્ફોસિસે રૂ. 6,586 કરોડનો નફો કર્યો હતો.
પરિણામો જાહેર કરવાની સાથે TCSએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની શેરધારકોને શેરદીઠ રૂ. 9નું વચગાળાનું ડિવિડન્ડ અને રૂ. 18 પ્રતિ શેરનું વિશેષ ડિવિડન્ડ આપશે, એટલે કે તે શેરદીઠ કુલ રૂ. 27નું ડિવિડન્ડ આપશે.
ગઈકાલે પણ બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલાં ગઈકાલે, એટલે કે 11 જાન્યુઆરી ગુરુવારે શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 63 પોઈન્ટના વધારા સાથે 71,721 પર બંધ રહ્યો હતો. એ જ સમયે નિફ્ટીમાં પણ 28 પોઈન્ટનો વધારો થયો હતો, એ 21,647ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો અને 14માં વધારો જોવા મળ્યો હતો.
