~ ૩૫ બાળકોના જન્મજાત ફાટેલાં હોઠ અને તાળવાનું કરાશે રાજકોટમાં વિનામૂલ્યે ઓપરેશન
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મિશન સ્માઈલ સંસ્થા અને ગોકુલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી બાળકોમાં જન્મજાત જોવા મળતા ફાટેલાં હોઠ અને તાળવાની (કલેફ્ટ લિપ એન્ડ પેલેટ) વિનામૂલ્યે સર્જરી માટે બાળકોના પૂર્વ નિદાન હેતુસર કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ઉપસ્થિત તમામ ૩૫ બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતું.
આ તમામ બાળકોનું રાજકોટ ખાતે વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવશે.જી.કે.ના કાન, નાક અને ગળાના તબીબોએ ઓપરેશન પૂર્વે બાળકોના વાલીઓએ જરૂરી સમજ અને સલાહ આપી હતી,એમ એડમિન વિભાગના સિનિ.મેનેજર ડો. જુનેદ ઘડિયાળીએ જણાવ્યું હતું.
કેટલાક બાળકોમાં આ વિભાજિત હોઠ અને તાળવાની ખોટ જન્મજાત હોય છે જે મોઢાને અને શ્વાસોશ્વાસને પ્રભાવિત કરે છે.ફાટેલાં હોઠથી એક અથવા બંને તરફ દરાર પડી જાય છે, જે જન્મના સમયથી જ દેખાય છે.પરિણામે બાળકને ખોરાક લેવામાં, બોલવામાં તકલીફ અને કાનમાં વારંવાર સંક્રમણ પણ થાય છે.
આવા હોઠ અને તાળવાના પ્લાસ્ટિક ઓપરેશન બાદ ખાવા પીવા સહિતની તકલીફ દૂર થાય છે સાથે બાળકના ચહેરા પર સ્માઇલ પણ આવી જાય છે.
