ભારત અને માલદીવ્સ વચ્ચે ચાલી રહેલા વિવાદનો ફાયદો લક્ષદ્વીપ સંબંધિત સ્ટોક ‘પ્રવેગ’માં જોવા મળી રહ્યો છે. પ્રવાસી સ્થળોએ વૈભવી રિસોર્ટ ચલાવતી કંપની પ્રવેગના શેર 8 જાન્યુઆરીએ 20%ના ઉછાળા સાથે રૂ. 1,037.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે દિવસના ટ્રેડિંગ પછી શેર થોડા નીચે આવ્યa અને 17.51%ના વધારા સાથે રૂ. 1,015.95 પર બંધ રહ્યો.
આ દરમિયાન ટ્રાવેલ કંપની મેક માય ટ્રિપએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ તેમના પ્લેટફોર્મ પર લક્ષદ્વીપ વિશે સર્ચમાં 3400%નો વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને મેક માય ટ્રિપએ ‘બીચ ઑફ ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યું. એ જ સમયે EaseMyTrip એ માલદીવ્સની તમામ ફ્લાઈટનું બુકિંગ બંધ કરી દીધું છે.
ગયા મહિને પ્રવેગને અગત્તી આઇલેન્ડના ડેવલપમેન્ટ, મેઇન્ટનન્સ અને મેનેજમેન્ટનું કામ મળ્યું હતું
ગયા મહિને પ્રવેગ નામની કંપની જે કચ્છના રણ જેવા પર્યટન સ્થળોએ વૈભવી રિસોર્ટ ચલાવે છે, તેને સરકાર દ્વારા લક્ષદ્વીપના અગત્તી ટાપુમાં 50થી વધુ ટેન્ટના વિકાસ, જાળવણી અને સંચાલનનું કામ સોંપવામાં આવ્યું હતું. પ્રવેગ લક્ષદ્વીપમાં રિસોર્ટની જાળવણી, સ્કુબા ડાઇવિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, કોર્પોરેટ ફંક્શન્સ અને અન્ય બિઝનેસ એક્ટિવિટીઝની ઓફર કરશે. પ્રવેગને ત્રણ વર્ષ માટે લક્ષદ્વીપની સોંપણી આપવામાં આવી છે, જે 2 વર્ષ સુધી વધારી શકાય છે.
EaseMyTrip માલદીવ્સની તમામ ફ્લાઇટ બુકિંગ બંધ કર્યું
EaseMyTrip એ માલદીવ્સની તમામ ફ્લાઈટ બુકિંગ બંધ કર્યું છે. EaseMyTripના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ રવિવારે મોડીરાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. નિશાંત પિટ્ટીએ કહ્યું, ‘પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર માલદીવ્સના સાંસદના પદ પરના વિવાદ વચ્ચે અમે નિર્ણય લીધો છે કે અમે માલદીવ્સ માટે કોઈ બુકિંગ સ્વીકારીશું નહીં.
આપણા દેશમાંથી 3 લાખ લોકો દર વર્ષે માલદીવ્સ જતા હતા, હવે તેઓ EaseMyTrip પર આ સુવિધા મેળવી શકશે નહીં. નિશાંતે એમ પણ કહ્યું હતું કે લક્ષદ્વીપમાં પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે અમે અમારા પ્લેટફોર્મ પર 5 નવાં પેકેજ પણ શરૂ કર્યાં છે. આજે, EaseMyTripના શેરમાં પણ 4.71%નો વધારો જોવા મળ્યો હતો, જે Easy Trip Planners Limitedના નામે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
કેવી રીતે શરૂ થયો વિવાદ?
પીએમ મોદીએ 4 જાન્યુઆરીએ તેમની લક્ષદ્વીપ મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. આમાં લક્ષદ્વીપ હવે સુંદરતાના મામલે માલદીવ્સને ટક્કર આપતું જોવા મળી રહ્યું છે. આ પછી લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે માલદીવ્સ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા કરતાં લક્ષદ્વીપ જવું સારું છે.
આના કારણે માલદીવ્સના મંત્રીઓ અને નેતાઓ નારાજ દેખાયા. તેમની વાંધાજનક પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ભારતીયો અને માલદીવ્સના નાગરિકો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ભારતના લોકોનો ગુસ્સો એટલો વધી ગયો કે દેશમાં હેશટેગ BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યો.
લોકો માલદીવ્સનો ઉગ્ર વિરોધ કરવા લાગ્યા. લોકોનું કહેવું છે કે PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત ચોક્કસપણે માલદીવ્સના પ્રવાસનને મોટો ફટકો આપશે. બીજી તરફ નેટિઝન્સે #ExploreIndianIsland સાથે ભારતના પ્રવાસન ક્ષેત્રને સમર્થન આપવાનું શરૂ કર્યું.
માલદીવ્સના મંત્રીએ પીએમ મોદી માટે વાંધાજનક શબ્દો કહ્યા
મંત્રી મરિયમ શિયુનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરતી વખતે પીએમ મોદી માટે વાંધાજનક શબ્દો કહ્યા હતા તેમજ નેતા ઝાહિદ રમીઝે લખ્યું કે ભારત સેવાના મામલામાં અમારી સાથે સ્પર્ધા કરી શકે નહીં. મરિયમ યૂથ એમ્પાવરમેન્ટ, ઈન્ફોર્મેશન એન્ડ આર્ટના ડેપ્યુટી મંત્રી છે.
માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે તેમના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- મંત્રી મરિયમ શિઉનાએ ખોટા શબ્દો કહ્યા છે. એનાથી માલદીવ્સની સુરક્ષા અને સમૃદ્ધિ જોખમાઈ શકે છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારે આવી ટિપ્પણીઓથી પોતે દૂર રહેવું જોઈએ.
