અદાણી મેડિ.કોલેજમાં હાડકાંના સામાન્ય થી જોખમી પરિબળો ઉપર ગુજરાતના ઓર્થો તજજ્ઞોએ આપ્યું વ્યાખ્યાન

~ ગુજરાત ઑર્થો એસો.અને જી.કે.જન. હોસ્પિ.આયોજિત હાડકાંના રોગના વ્યાખ્યાન કોર્સમાં રાજ્યના ૨૭ નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

~ રાજ્યની તમામ મેડિ.કોલેજના હાડકાં વિભાગના ૧૦૯ ઑર્થો પી.જી.વિદ્યાર્થીઓ જોડાયા

અદાણી મેડિકલ કોલેજમાં ગુજરાત ઓર્થોપેડિક એસોસિયેશન અને જી.કે. જનરલના ઓર્થો વિભાગ દ્વારા યોજાયેલા બે દિવસીય પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યાખ્યાન કોર્ષમાં ગુજરાતના નામાંકિત ૨૭ ઓર્થો વિભાગના તજજ્ઞ તબીબોએ હાડકાંના  સામાન્ય થી લઈને જોખમી પરિબળો ઉપર સચોટ નિદાન અને સારવારનું મહત્વ સમજાવી વિસ્તૃત છણાવટ કરી હતી.

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત આ વ્યાખ્યાન કોર્ષમાં સમગ્ર ગુજરાતની મેડિકલ કોલેજના ઑર્થો વિભાગમાં અભ્યાસ કરતા ૧૦૯ પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ગુજરાતના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન ખંડમાં યોજાયેલા આ કાર્યક્રમને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકતા ગુજરાત ઓર્થોપેડિક એસોસિયેશનના પ્રમુખ અને રાજકોટના ડો. શ્રીનિવાસ રાવે હાડકાંના પ્રત્યેક રોગનું સચોટ નિદાન કરી ઉચ્ચ ગુણવત્તા સભર સારવાર આપવા ઉપર ભાર મૂકી કહ્યું કે. આ તાલીમ દ્વારા રાજ્યને ઉચ્ચ કક્ષાના ઑર્થો તબીબો પ્રાપ્ત થાય એ તેનો મુખ્ય હેતુ રહેલો છે.

રાજ્યના ઉપસ્થિત નિષ્ણાત તબીબો પૈકી અમદાવાદ સ્થિત ડો.ભરત દવે, જામનગરના ડો. વિજય સાતા સહિત તમામ ૨૭ તબીબોએ જનરલ ટ્રોમા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્પાઇન, હાથના કાંડા, હાડકાંના કેન્સર,થાપા અને પગની ઇજા ઉપર  માર્ગદર્શન આપ્યું હતું.

જી.કે.ના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈ તેમજ ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં આ પ્રકારના નિષ્ણાતોના વ્યાખ્યાનનું મહત્વ સમજાવી ઉમેર્યું કે પરસ્પરના મંતવ્યો, અભ્યાસ, સંશોધનને  કારણે તબીબોનું જ્ઞાન સમૃદ્ધ બને છે. તેમણે અન્ય વિભાગો માટે પણ આવા વ્યાખ્યાન યોજવા તત્પરતા દર્શાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જી.કે.ના ઓર્થો વિભાગના ડો. વિવેક પટેલ, ડો. ઋષિ સોલંકી અને નવીન ગાગલે  સંભાળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઓર્થોપેડિક એસોસિયેશન દર વર્ષે આ પ્રકારના વ્યાખ્યાન સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ યોજે છે.ભુજમાં યોજાયેલા આ વ્યાખ્યાનમાં અત્યાર સુધી રાજ્યમાં યોજાયેલા લેકચરમાં સૌથી વધુ તબીબો જોડાયા હતા.ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે ડો. સી.વી.લીંબાણી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment