અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેવા ઉદ્દેશથી સરકાર દ્વારા મહત્વની કામગીરી શરૂ થઇ ચુકી છે જેમાં 107 હાઇ ડેફિનેશન સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે અને આ કેમેરા નેત્રમ કમાન્ડ કચેરી સાથે કનેક્ટેડ હોવાથી ચાંપતી નજર નેત્રમની રહેશે, તો શહેરમાં જુના લાગેલા 67 કેમેરાનું પણ મેન્ટેનન્સ પોલીસ દ્વારા રૂ.સાડા ચાર લાખના ખર્ચે કરવામાં આવશે, હાલ જે જગ્યાએ આ સીસી ટીવી કેમેરા લગાવવાના છે તે જગ્યાએ નાયબ પોલીસ અધિક્ષક સાથે કામગીરી શરૂ કરાઇ છે અને બે માસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
તાજેતરમાં જ યશ તોમરની અપહરણ અને હત્યા તેમજ ભચાઉમાં જૈન વૃધ્ધાની હત્યાની પેચીદી ઘટનાનો ભેદ ઉકેલવામાં સીસી ટીવી કેમેરા અતિ ઉપયોગી થયા હતા. અંજારની વાત કરીએ તો 67 કેમેરા લગાવાયેલા હતા પરંતુ નગરપાલિકા અને પોલીસ વચ્ચે મેન્ટેનન્સના મુદ્દે 30 જેટલા કેમેરા બંધ હાલતમાં હતા.
આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા બાદ બોર્ડર રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન તળે ગાંધીનગરથી આવેલી એન્જિનિયરની ટીમ સાથે અંજારમાં 107 હાઇ ડેફિનેશન સીસી ટીવી કેમેરા લગાવવાની કામગીરીની શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે ડીવાયએસપી એ.વી.રાજગોર, તાલિમી ડીવાયએસપી પરેશ રેણુકા, અંજાર પીઆઇ એસ.ડી.સિસોદિયા, જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એસ.ચૌહાણ, નેત્રમ પીએસઆઇ જે.જી.રાજ , એન્જિનિયર કેવલ સોલંકી, નિલેશ સોસા તથા કોન્સ્ટેબલ પ્રહલાદ પરમાર અંજારમાં જ્યાં કેમેરા લગાવવાના છે તે સ્થળ પર સર્વે કરી રહ્યા છે આગામી બે મહિનામાં તમામ કામગીરી પૂર્ણ થઇ જશે અને આ તમામ કેમેરાની કમાન્ડની નેત્રમ સાથે જોડાયેલી હશે અને હવે અંજારમાં પણ ટ્રાફિક નિયમન ભંગ કરનાર હોય, ગુનો આચરનાર હોય તેના પર નેત્રમ કેમેરાની નજર 24 કલાક રહેશે જે આ ઐતિહાસિક નગર માટે અતિ મહત્વની કામગીરી બની રહેશે.
ચિત્રકુટ, દબડા રોડ, ગંગાનાકુ સહિતના વિસ્તાર આવરી લેવાયા
અંજારના ચિત્રકૂટ સર્કલ, પારસ કોમ્પલેક્સ સર્કલ, યોગેશ્વર ક્રોસ રોડ, કળશ સર્કલ, દબડા રોડ ક્રોસ રોડ, સત્તાપર ત્રિભેટે, એપીએમસી ત્રણ રસ્તા, એકતાનગર વળાંક પાસે, બસ સ્ટેશન સર્કલ, ગાયત્રી ચાર રસ્તા , મામલતદાર સર્કલ, ટાઉનહોલ સર્કલ, ગંગાનાકું, સવાસર નાકે, કસ્ટમ ચોક, હોટલ ગુડ્ડી સર્કલ, અંજારના ટાવર પાસે આશાબા ક્રોસ રોડ પર આ એચડી સીસી ટીવી કેમેરા લગાવવામાં આવશે.
અંજાર સાથે ભચાઉ, રાપર અને ગાંધીધામમાં વધુ કેમેરા લાગશે
અંજારમાં 107 હાઇ ડેફિનેશન કેમેરા લાગશે જ સાથે ભચાઉમાં 63 કેમેરા, રાપરમાં 60 કેમેરા અને ગાંધીધામ ખાતે વધુ 71 કેમેરા લગાવવામાં આવશે તેમ નેત્રમ પીએસઆઇ જે.જી.રાજે જણાવ્યું હતું.
