જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં પાચકરસનું અને ઇન્સ્યુલીનનું નિર્માણ કરતા મહત્વના અવયવ એવા સ્વાદુપિંડના સડી જવાના કારણે અને પેટમાં રસી પ્રસરી ગઇ હોવા ઉપરાંત આવા ઓપરેશનની બચવાની માત્રા ઓછી હોવા છતાં યુવાનનું જોખમી ઓપરેશન(નેક્રોસેક્ટોમી ઓફ પેંક્રિયાસ)સફળતાપૂર્વક કરી દર્દીનો જીવ બચાવી લેવાયો.
જી.કે.ના સર્જન ડો. આદિત્ય પટેલે શસ્ત્રક્રિયા કર્યા બાદ જણાવ્યું કે, માનવ દેહમાં સ્વાદુપિંડ મહત્વનું અંગ છે, એ બગડી જાય તો પાચનતંત્ર સદંતર ખોરવાઈ જાય છે. મોટાભાગે તબીબો પ્રથમ તો સ્વાદુપિંડને પુનઃ સક્રિય કરવા દવા અને ઇન્જે.આપી સારવાર કરે છે અને ના છૂટકે જ ઓપરેશન કરવામાં આવે છે.
માંડવીના ૨૪ વર્ષીય યુવાન જીગર મહેશ્વરીને પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે અત્રે આવતા તેનું સીટી સ્કેન કરાવ્યું તો સ્વાદુપિંડ સડી ગયેલું જોવા મળ્યું અને તેમાં રસી થઈ ગઈ હતી. ઉપરાંત પેટમાં તે રસી ફેલાઈ ગઈ હતી તેવો નિર્દેશ મળ્યો. શસ્ત્રક્રિયાના જોખમી પાસાને ધ્યાનમાં રાખી પ્રથમ તો દવા અને ઇન્જેક્શનથી મટાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક અઠવાડિયા પછી પણ સુધારો ન જણાતાં દર્દીના સગાઓને ઓપરેશનના જોખમી પરીબળોથી વાકેફ કરી તેમને સમજાવી ઓપરેશનનો નિર્ણય કર્યો.
સ્વાદુપિંડ દૂર કર્યાના ઓપરેશન બાદ દર્દીને લગભગ સતત ૨૦દિવસ આઈ. સી.યુ.માં રાખી સારવાર આપી. ઓપરેશનમાં જોડાયેલા ડો.નરેન્દ્ર ચૌધરી અને ડો.પ્રજ્ઞેશ ઝોડેએ કહ્યું કે, ઓપરેશન અને સારવાર બાદ દર્દીએ ભોજન લેવાનું શરૂ કર્યું,પેટમાં દુખાવો દૂર થયો અને શૌચ પ્રક્રિયા સક્રિય થયા પછી જ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. આ ઓપરેશનમાં ડો.યશોધર બાપલીયા,ડો.યશ પટેલ,અને ડો.કિશન મીરાણી તેમજ એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર જલદીપ પટેલ, ડો.યશ્વી અને ડો.ધ્રુવી સહયોગી રહ્યા હતા.
અત્ર ઉલ્લેખનીય છે કે દર્દીના અત્રે આવવા પહેલાં તેને એક મહિનાથી પેટમાં દુઃખાવો હતો. તમામ પાચન પ્રક્રિયા ખોરવાયેલી હતી.ખાનગી હોસ્પીટલમાં સોનોગ્રાફી કરાવી જેમાં રસી ભરાવાની શક્યતા જણાઈ,પરંતુ અહીં સીટી સ્કેન થતાં સીટી સ્કોર હાઈ જણાયો, તેમજ સ્વાદુપિંડ સતત કોહવાતું હોવાનો અને રસી ફેલાયાનો નિર્દેશ મળ્યો.આમ દર્દીને ૩૦મી.નવે.ના રોજ એડમિટ કરી સતત સારવાર આપી ૨૭મી ડિસ્ચાર્જ અપાયો.
