અદાણી મેડિ. કોલેજના પી.જી. વિધાર્થીઓએ ‘જોય ઓફ ગિવિંગ’ના સૂત્ર સાથે નવા વર્ષને વધાવ્યો

~ ભુજમાં વસતા ગરીબ પરિવારોને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કપડાં, રમકડાં અને ધાબળાનું કર્યું વિતરણ

નવા વર્ષને વધાવવા તેની પૂર્વ સંધ્યાએ  લોકો  અનેક રીતે ઉજવણી કરે છે,પરંતુ અદાણી મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓએ  ભુજમાં વિવિધ સ્થળોએ વસવાટ કરતા ગરીબ પરિવારોને ૨૦૦૦ જેટલાં કપડાં, રમકડાં અને ધાબળાનું વિતરણ કરી ‘જોય ઓફ ગિવિંગ’ (આપવાનો આનંદ) ના સૂત્ર સાથે નવા વર્ષને આવકાર આપ્યો હતો.

મેડિકલ કોલેજના વિધાર્થીઓએ વિતેલા વર્ષના છેલ્લા એક પખવાડીયા સુધી હોસ્પિટલ અને કેમ્પસમાં ફરીને બે હજાર જેટલા જૂનાં કપડાં વિગેરે ડોક્ટર્સ, વિદ્યાર્થીઓ અને કેમ્પસમાં રહેતા સ્ટાફ પરિવારો પાસેથી એકત્રિત કરી,નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભુજના એરપોર્ટ રોડ, હમીરસર, મુન્દ્રા રોડ,ભુ જીયા તળેટી જેવા વિવિધ સ્થળોએ રહેતા ગરીબ પરિવારોને સ્થળ પર પહોંચી વિતરણ કર્યા હતા.

મેડિકલ કોલેજના ડોક્ટર્સ એસો.ના પ્રમુખ ડો.પાર્થ રાઠવાએ કહ્યું કે, હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર તો ડોક્ટર કરતા હોય છે સાથે સાથે ગરીબ પરિવારોને તેમની જરૂરિયાત પૂરી કરવા માટે મદદરૂપ થવા આ નવતર અભિગમ અપનાવ્યો હતો. આ સેવાલક્ષી કાર્યમાં તમામ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. દરેકે સહકાર આપ્યો તે બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જી.કે.જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈ, કોલેજના ડીન ડો. એ. એન. ઘોષ તેમજ મેડિકલ સુપ્રિ.ડો. નરેન્દ્ર હિરાણીએ ગરીબ પરિવારો માટે સેવા યજ્ઞમાં યોગદાન આપવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન  પાઠવ્યા હતા.

Leave a comment