જી. કે.જન.અદાણી હોસ્પિ.માં શિયાળાની ઋતુમાં શુષ્ક આંખોના દર્દી વધુ દેખાય છે

શિયાળામાં જ્યારે મંદ મંદ પવન ફૂંકાતો હોય ત્યારે સ્વાસ્થ્ય અને ત્વચા ઉપર પ્રભાવ પડે છે, પરંતુ આંખને પણ એટલી જ માત્રામાં અસર કરે છે. આંખોમાંથી નીકળતું કુદરતી પાણી આ ઋતુમાં ઓછું થઈ જતું હોવાથી આંખો સુકાઈ જવાની ફરિયાદ વધી જાય છે.જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આંખો સુકાઈ જવાના દર્દીઓનું પ્રમાણ આ સિઝનમાં વધુ જોવા મળે છે.

જી.કે. જનરલ હોસ્પિટલના નેત્ર નિષ્ણાત ડો. કવિતા શાહ અને ડો. અતુલ મોડેસરાના જણાવ્યા મુજબ આંખોમાં પાણી ઓછું થઈ જાય ત્યારે આંખોમાં ખંજવાળ, બળતરા અને દર્દ થવા લાગે છે. ગંભીર કિસ્સાઓમાં તો બીજી વ્યક્તિની આંખમાં આંખ  મિલાવીને વાત પણ કરી શકાતી નથી. આવું થાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

જો ચક્ષુમાં સૂકાપણું ,આંખો ભારે થવી, આંખો ઉપર સોજો, આંખ લાલ થવી જેવા લક્ષણો દેખાય તો નજર અંદાજ નહીં કરવા બંને તબીબો સલાહ આપે છે.

માનવ શરીરમાં આંખ  સંવેદનશીલ અંગ છે. શિયાળામાં આંખની આ સમસ્યા સામાન્ય હોય છે. તેના વધુ કારણો આપતા તબીબોએ જણાવ્યું હતું કે આ મોસમમાં વધુ સમય સુધી હીટર પાસે બેસી રહેવું. લાંબો સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરવું.  મોબાઈલનો વધુ ઉપયોગ તેમજ વધુ સમય તડકામાં અને પવનમાં ઘણો વખત બહાર બેસી રહેવાથી પણ આ સમસ્યા ઊભી થાય છે.

શિયાળામાં તરસ ઓછી લાગે છે અથવા તો ઠંડીને કારણે પાણી પીવાનું સામાન્યતઃ  ઓછું થાય છે. એટલે દર કલાકે પાણી પીતા રહેવું જરૂરી છે. આંખોમાં ભેજ જળવાઈ રહે એ માટે દિવસમાં ત્રણ ચાર વખત સામાન્ય પાણીનો આંખો પર છંટકાવ કરવો જરૂરી બને છે. સાથે સાથે શિયાળામાં પવન અને વાતાવરણમાં મોજુદ રજકણ, ધુમાડો વગેરે આંખમાં બળતરા ને ખંજવાળ લાવે છે. આવા વાતાવરણમાં ચશ્મા પહેરીને નીકળવું સલામત ભરેલું છે.

તબીબોની સૂચના મુજબ આવું થાય ત્યારે લુબ્રિ કેટીંગ આઈ ડ્રોપ્સ નાખવા.આ ઉપરાંત મોસમી ફળો જેમ કે ગાજર, સંતરા, આમળા ઉપરાંત લીલા પાંદડા વાળા શાકભાજી  લેવાય તો કુદરતી પાણીનો સ્રોત જળવાઈ રહે છે. આંખોને સાચવવા વિટામિન એ અને  ઑમેગા થ્રી ફેટી એસિડ યુક્ત  ચીજ વસ્તુનું સેવન કરવું. અળસી, સોયાબીન તેલ, ડ્રાયફ્રુટ અને અખરોટ લેવાથી ઓમેગા થ્રી ફેટી એસિડ મળે છે.

Leave a comment