મુંદ્રા તાલુકામાં મળેલી સફળતા બાદ હવે ખાવડા અને તેની આસપાસની શાળાઓમાં પણ ઉત્થાન પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. માધ્યમિક શાળાઓના શ્રેષ્ઠ પરિણામો સાથે વિદ્યાર્થીઓનું ઉત્થાન થાય અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. ઉત્થાન અંતર્ગત પ્રિય વિદ્યાર્થીઓને અધરા વિષયોનું શિક્ષણ રસપ્રદ રીતે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષામાં ઉંચુ પરિણામ લાવવા ખાસ તૈયાર કરવામાં આવશે.
ખાવડા અને તેની આસપાસની 8 માધ્યમિક શાળાઓને ઉત્થાન પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને ઉર્જાવાન વાતાવરણમાં શિક્ષણની સાથો-સાથ બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવશે. 8 જેટલા ઉત્થાન સહાયકો પ્રિય બાળકોને રુચિકર શિક્ષણ આપશે. આ કામગીરી અંતર્ગત વાલીઓને પણ બાળકોના શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ બાળકોને અઘરા લાગતા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો માટે ઉપચારાત્મક વર્ગો લેવામાં આવશે. જેનાથી બાળકો આત્મવિશ્વાસ સાથે ઉચ્ચ પરિણામ હાંસલ કરવા આગેકૂચ કરશે. ઉત્થાન સહાયકો દ્વારા ભવિષ્યમાં બાળકોની ઉજ્વળ કારકિર્દીને અનુલક્ષીને માર્ગદર્શન પણ આપવામાં આવશે. તાજેતરમાં અદાણી હાઉસ મુન્દ્રા ખાતે નવનિયુક્ત ઉત્થાન સહાયકોને પ્રોજક્ટ અને અદાણી ફાઉન્ડેશનની કામગીરી વિશે તાલીમ આપવામાં આવી હતી.
ખાવડાના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ સાથે વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટનું પ્રમાણ વધારે છે. વળી વાલીઓમાં પણ ઓછી જાગૃતિ હોવાથી શિક્ષણની સ્થિતિ દયનીય બની છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા નિમાયેલા ઉત્થાન સહાયકો પ્રિય વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા તથા વાલીઓમાં શિક્ષણ પ્રત્યેની સજાગતા વધારવાનું કામ કરશે. ખાવડા જેવા વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે પ્રોજેક્ટ ઉત્થાનનું અમલીકરણ આશીર્વાદરૂપ નીવડશે.
અદાણી ફાઉન્ડેશન બાળકોનું ભાવિ ઉજ્જવળ બનાવી શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે તેને શિસ્તબદ્ધ અને સજાગ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. પ્રોજેક્ટ ઉત્થાન તેમાં પાયાનું કામ કરી રહ્યું છે. 2018માં મુંદ્રા પંથકની 17 શાળાઓ અને 2500 પ્રાથમિક શાળાઓથી શરૂ કરાયેલ આ પ્રોજેકટ ભારતની 250થી વધુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 40,000+ બાળકો સુધી પહોચ્યો છે. પ્રિય બાળકોના ઉત્થાનર્થે સહાયકો સમર્પિત અને પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે પરિણામે પ્રોજેક્ટ નિરંતર પ્રગતિના પંથે છે.
