વ્યાજ દર ઘટાડવામાં ઉતાવળ કરવા સામે રિઝર્વ બેન્કના વિશ્લેષકોની ચેતવણી

વ્યાજ દરમાં ઘટાડો કરવામાં કોઈપણ ઉતાવળ જોખમી સાબિત થઈ શકે છે. જે લોકો વ્યાજ દર  ઘટાડવા માટે બુમરાણ કરી રહ્યા છે તેઓ ખાધાખોરાકીના ભાવમાં વોલેટિલિટીને કારણે ફુગાવામાં ટૂંકા ગાળે થતા વધારાને અવગણી રહ્યા છે, એમ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રા તથા રિઝર્વ બેન્કના અન્ય વિશ્લેષકો દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

વ્યાજ દરમાં ઘટાડો થવો જોઈએ તેવા મતો,  ફુગાવાને તેના ટાર્ગેટ પર લાવવાના રિઝર્વ બેન્કના પ્રયાસોને જોખમમાં મૂકે છે. ફુગાવાને તેના ટાર્ગેટ સુધી લાવવાનું કામ હજુ પૂરું થયું નથી. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દરમાં ઘટાડો કરવાના ભલે સંકેત આપી દીધા હોય પરંતુ રિઝર્વ બેન્કના વિશ્લેષકો ઘરઆંગણે રેપો રેટ ઘટાડવાના મૂડમાં નથી. લાંબા ગાળા સુધી વ્યાજ દર ઊંચા જાળવી રાખવાના પોતાના મતને તેમણે પકડી રાખ્યો છે.

વિશ્લેષકોના મત પ્રમાણે, આગામી નાણાં વર્ષમાં પણ ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ સુધી નીચે નહીં આવે. નાણાં વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિટેલ ફુગાવો પાંચ ટકા રહેશે જ્યારે બીજા ત્રિમાસિકમાં ૪.૭૦ ટકા, ત્રીજામાં ૪.૮૦ ટકા તથા ચોથામાં ૪.૯૦ ટકા જોવા મળવાની રિપોર્ટમાં સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આનો અર્થ આગામી નાણાં વર્ષમાં રેપો રેટમાં કોઈ કપાત જોવા નહીં મળે એવો થઈ શકે છે અમ પણ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.

Leave a comment