ચીનમાં નરમાઈથી વિદેશી રોકાણકારો ભારત તરફ

સ્થાનિક શેરબજારમાં આવેલી તેજીને કારણે કંપનીઓના પ્રમોટરો અને મોટા શેરધારકો વચ્ચે ઊંચા મૂલ્યાંકનનો લાભ લેવા શેર વેચવા માટે સ્પર્ધા ચાલી રહી છે. ઇક્વિટી વેચાણમાં વધારો એટલે કે આઇપીઓ અને ફોલો ઓન પબ્લિક ઑફર (FPO)માં વધારો આનું પરિણામ છે. દરમિયાન ચીનના બજારોમાં ઘટાડાને જોતા વિદેશી રોકાણકારો પણ ભારત તરફ વળ્યા છે. ભારતમાં આઇપીઓ અને એફપીઓ પ્રવૃત્તિએ આ વર્ષે હોંગકોંગને પાછળ છોડી દીધું છે.

આ ઓછામાં ઓછા 30 વર્ષમાં પ્રથમ વખત બન્યું છે. સરેરાશ રૂ.2 લાખ કરોડના IPO અને FPO ને શેરબજારમાં લગભગ 18%ના ઉછાળાથી ઘણી મદદ મળી છે. તેનાથી વિપરીત, ચીનની ઘટતી અર્થવ્યવસ્થાને કારણે, તેના ઇક્વિટી બેન્ચમાર્કમાં લગભગ સમાન રકમનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે, ભારતમાં ECM (ઇક્વિટી કેપિટલ માર્કેટ)ની ઝડપી પ્રવૃત્તિઓનો આ ટ્રેન્ડ 2024માં પણ ચાલુ રહી શકે છે.

નવા વર્ષમાં મોટી કંપનીઓનું પણ લિસ્ટિંગ

સિટીગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ECM, એશિયા પેસિફિક ના સહ-હેડ ઉદય ફુર્તાડોના જણાવ્યા અનુસાર, ભારત એશિયાના અન્ય બજારો કરતાં મૂડી બજારો માટે વધુ તકો પ્રદાન કરે છે. કેટલાક મોટા નામો 2024માં પણ લિસ્ટિંગ માટે સંભવિત ઉમેદવારો હોઈ શકે છે. તેમાં ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના રૂ.7,000 કરોડના IPOનો સમાવેશ થાય છે.

એશિયા-પેસિફિક કરતાં નવા શેરમાં વધુ તેજી

આઇપીઓ દ્વારા રૂ.800 થી રૂ.4 હજાર કરોડ એકત્ર કરનાર 16 કંપનીઓના શેર લિસ્ટિંગ પછી સરેરાશ 72% વધ્યા છે, જ્યારે એશિયા પેસિફિકમાં સરેરાશ 55% સુધી જ વધ્યાં છે.

Leave a comment