આમ તો શિયાળામાં આરોગ્ય સુખાકારી વધે છે, પરંતુ પેટ સંબંધી કેટલીક સમસ્યાઓ આ ઋતુમાં જોવા મળે છે. ખાસ કરીને કબજિયાતનું પ્રમાણ વધુ જોવા મળે છે. જીકે જનરલ હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગના તબીબોએ કબજિયાતમાંથી રાહત માટે પાંચ જીવનશૈલી આપી છે. જેને અનુસરવામં આવે અને રોજબરોજ અમલ કરવામાં આવે તો ફાયદો થાય છે.
ડિસેમ્બરમાં પ્રતિ વરસે ગ્લોબલ હેલ્થ કેર દ્વારા ઉજવાતા કબજિયાત (constipation) જાગૃતિ માસ અનુસંધાને સર્જનોના જણાવ્યા મુજબ શિયાળો માત્ર માનવીના મૂડને જ અસર નથી કરતો પરંતુ પાચન પ્રણાલીને પણ પ્રભાવિત કરે છે. પેટ ફુલવું, કબજિયાત થવો વિગેરેનો આમાં સમાવેશ થાય છે. આ ઋતુમાં પાણી વધુ પીવાની સલાહ આપતા તબીબો કહે છે કે, રોજ સાત થી આઠ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. જો કે શિયાળામાં તરસ લાગતી નથી પણ સૂપ કે હર્બલ ચા પીને પણ પાણીની માત્રા વધારી શકાય છે.
ડો. દેવાંશીના જણાવ્યા પ્રમાણે પાચનતંત્રને સક્રિય કરવા માટે પ્રોબાયોટિક જીવિત બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે. આવા બેક્ટેરિયા દહીં, ઈડલી, ઢોસા અને છાશમાં ખાસ મળે છે. પ્રિબાયોટિક ડાયેટરી ફાઇબર હોય છે, જે શરીરની ગતિવિધિનું સંચાલન કરે છે. લસણ કેળા,ખજૂર,વટાણા, ફૂલકોબી અને ફળફળાદીમાં પણ ફાઇબર હોય છે. જે ઉપયોગી સાબિત થાય છે.રોજ ૨૫થી૩૫ ગ્રામ ફાઇબર ખાવાની ટેવ પાડવી જોઈએ.ફાઇબર આંતરડાને સ્વસ્થ રાખે છે.
શિયાળામાં જેમ ખોરાકનું મહત્વ હોય છે તેમ કસરત પણ એટલી જ અગત્યની છે. જો રોજ કસરત કરવામાં આવે તો પેટના નીચેના ભાગની માંસ પેશીઓ મજબૂત થાય છે. જે પેટને સાફ રાખવામાં મદદરૂપ બને છે. વ્યાયામથી મોટા આંતરડામાં રહેલો ખોરાક આગળ ધકેલાય છે, પરિણામે કબજિયાતમં રાહત રહે છે.એમ ડો.નરેન્દ્ર ચૌધરીએ અને ડો. યશોધરે જણાવ્યું હતું.
માત્ર ખાવું -પીવું જ નહીં દિનચર્યા પ્રણાલી પણ સ્વસ્થ રાખવી જોઈએ. સુવા -ઉઠવા -ખાવાનો સમય પણ નિર્ધારિત હોવો જોઈએ. નિયમિત ભોજન લેવાથી આંતરડા સુચારુ રીતે કામ કરે છે. જો જીવનશૈલીમાં આટલું કરવામાં આવે તો પાચન પ્રણાલી મજબૂત રહે છે. તેમ છતાં પણ કબજિયાતની સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.જોકે વધારે તપાસ માટે અને કારણ જાણવા કોલોનોસ્કોપીનો રિપોર્ટ જરૂર પડે કરાવવો જોઈએ.
મળત્યાગના સમયને નિયમિત અનુસરો:
લગભગ દરેક માટે મળત્યાગનો સમય નિશ્ચિત હોય છે. જો આ સમયને જાળવવામાં ના આવે અને મળ ત્યાગનો અહેસાસ થાય અને તેને કંટ્રોલ કરવામાં આવે તો પણ આ સમસ્યા વધી શકે છે. ટોયલેટની આ પ્રક્રિયા નિયમિત ફોલો કરવો જરૂરી છે અન્યથા આરોગ્ય માટે નુકસાનકારક બને છે.
